LPG subsidy: જો તમે ઘરે રસોઈ માટે LPG સિલિન્ડરનો ઉપયોગ કરો છો અને સરકારની સબસિડીનો લાભ મેળવો છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર 1 ઓક્ટોબર 2026થી સબસિડીવાળા LPG સિલિન્ડર માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન એટલે કે BAA ફરજિયાત કરવામાં આવ્યું છે. જે ગ્રાહકોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેમણે સબસિડીવાળો ગેસ રિફિલ બુક કરાવતા પહેલાં આધાર પ્રમાણીકરણ કરાવવું પડશે.
1 ઓક્ટોબરથી BAA ફરજિયાત, 89.90 ટકા ગ્રાહકોનું કામ પૂર્ણ
નવા નિયમ મુજબ ઘરેલુ LPG ગ્રાહકોએ સબસિડીનો લાભ ચાલુ રાખવા માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરવું જરૂરી રહેશે. જોકે, સરકારના જણાવ્યા અનુસાર 19 સપ્ટેમ્બર સુધીમાં આશરે 89.90 ટકા સક્રિય LPG ગ્રાહકો આ પ્રક્રિયા પૂર્ણ કરી ચૂક્યા છે. આથી જે ગ્રાહકોએ હજુ સુધી BAA પૂર્ણ કર્યું નથી તેમણે 1 ઓક્ટોબર પહેલાં આ પ્રક્રિયા પૂરી કરવી જરૂરી બની શકે છે, જેથી સબસિડીવાળા રિફિલના લાભમાં અડચણ ન આવે.
આધાર પ્રમાણીકરણ નહીં કરાવો તો સિલિન્ડર મળશે, પરંતુ સબસિડી નહીં મળે
BAA પૂર્ણ ન કરનાર ગ્રાહકોને LPG સિલિન્ડર આપવાનો ઇનકાર કરવામાં આવશે નહીં. જોકે, આવા ગ્રાહકોને સિલિન્ડર વર્તમાન બજાર ભાવે ખરીદવો પડશે અને તેમને મળતી સબસિડીનો લાભ આપવામાં આવશે નહીં. સરકારના જણાવ્યા અનુસાર બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશનનો મુખ્ય હેતુ સબસિડીનો લાભ યોગ્ય પરિવારો સુધી પહોંચાડવાનો છે. સાથે જ ઘરેલુ ઉપયોગ માટે આપવામાં આવતા સબસિડીવાળા LPG સિલિન્ડરોનો વ્યાપારી અથવા ઔદ્યોગિક હેતુ માટે થતો દુરુપયોગ અટકાવવાનો પણ પ્રયાસ છે.
LPG ગ્રાહકો BAA કેવી રીતે પૂર્ણ કરી શકે?
ગ્રાહકો માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરવા માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. LPG સિલિન્ડરની ડિલિવરી દરમિયાન આ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. આ ઉપરાંત ગ્રાહકો પોતાના LPG વિતરકના શોરૂમની મુલાકાત લઈને પણ આધાર પ્રમાણીકરણ કરાવી શકે છે. તેમજ સંબંધિત ઓઇલ માર્કેટિંગ કંપનીની મોબાઇલ એપ્લિકેશન મારફતે પણ BAA પૂર્ણ કરવાની સુવિધા આપવામાં આવી છે.
કઈ કંપનીના ગ્રાહકોએ કઈ એપ વાપરવી?
Indane LPG ગ્રાહકો Indian Oil ONE એપ મારફતે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. Bharatgas ગ્રાહકો માટે HelloBPCL એપ ઉપલબ્ધ છે, જ્યારે HP Gasના ગ્રાહકો HP PAY એપ દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આથી LPG સબસિડી મેળવતા ગ્રાહકોએ 1 ઓક્ટોબર 2026થી અમલમાં આવનારા નિયમને ધ્યાનમાં રાખીને પોતાનું BAA પૂર્ણ કર્યું છે કે નહીં તે સમયસર ચકાસી લેવું મહત્વપૂર્ણ છે.








