Copper Price Today MCX LME Record High: જ્યાં એક તરફ સોના અને ચાંદીના બજારમાં અનિશ્ચિતતા અને અસ્થિરતા જોવા મળી રહી છે તો બીજી તરફ વૈશ્વિક કમોડિટી માર્કેટમાં તાંબા એટલે કે કોપરના ભાવે ભારે તહેલકો મચાવ્યો છે. લંડન મેટલ એક્સચેન્જ (LME) પર કોપરની કિંમતોએ પોતાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને ઐતિહાસિક ઓલ-ટાઇમ હાઇ લેવલ પર પહોંચી ગઈ છે. LME પર બેન્ચમાર્ક 3 મહિનામાં 0.8% ઉછળીને $14,533 પ્રતિ ટન પર ટ્રેડ કરી રહ્યો છે, જે છેલ્લા એક વર્ષમાં 17% જેટલો મોંઘો થયો છે.
ભારતીય માર્કેટ (MCX) પર કોપરના તાજા ભાવ
ભારતમાં મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર કોપર 1.03% વધીને ₹1400 પ્રતિ કિલોગ્રામથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન તેનું હાઇ લેવલ ₹1403.50 અને લો લેવલ ₹1388.85 નોંધાયું હતું. નોંધનીય છે કે, આ અગાઉ મે 2026માં કોપરે ₹1473ની રેકોર્ડ ઓલ-ટાઇમ હાઇ સપાટી બનાવી હતી, જે બાદ ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ હવે ફરીથી મજબૂત તેજીની શરૂઆત થઈ છે.
શા માટે આસમાને પહોંચી રહ્યા છે કોપરના ભાવ?
કોપરના ભાવમાં જોવા મળી રહેલા આ ભયંકર ઉછાળા પાછળ ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના કેટલાંક મુખ્ય વૈશ્વિક પરિબળો કામ કરી રહ્યા છે:
ટ્રમ્પના ટેરિફનો ડર: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રિફાઇન્ડ મેટલના આયાત પર ભારે ટેરિફ લગાવી શકે છે તેવા ડરથી ન્યૂયોર્કના કોમેક્સ (Comex) પર કોપર ફ્યુચર્સ ભારે પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યું છે. આર્બિટ્રેજ નફો કમાવાની લાલચમાં વેપારીઓ વિશ્વભરમાંથી કોપર અમેરિકા મોકલી રહ્યા છે.
LME સ્ટોરેજમાં શોર્ટેજ: અમેરિકામાં ડમ્પિંગ થવાને કારણે LMEના ગ્લોબલ ગોડાઉન્સમાં કોપરનો સ્ટોક અત્યંત નીચલા સ્તરે પહોંચી ગયો છે. પરિણામે હાજર (Spot) કિંમતો ફ્યુચર્સ ભાવ કરતાં વધી ગઈ છે (Backwardation), જે સ્પષ્ટ દર્શાવે છે કે સપ્લાયની સામે માંગ ઘણી વધારે છે.
ગ્રીન એનર્જી અને EVની ડિમાન્ડ: વિશ્વભરમાં ડેટા સેન્ટર્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV), રિન્યૂએબલ એનર્જી અને પાવર ગ્રીડ્સનું નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યું છે, જેમાં તાંબાનો ઉપયોગ મુખ્ય કચાસામગ્રી તરીકે થાય છે.
વિશ્વના સૌથી મોટા ઉત્પાતક ચિલી (Chile) માં સંકટ
વિશ્વના કુલ કોપર ઉત્પાદનમાંથી એક-ચતુર્થાંશ (25%) હિસ્સો ધરાવતા ચિલીમાં સ્થિતિ વણસી છે. ભારે વરસાદ, બરફવર્ષા અને દરિયાઈ તોફાનોના કારણે ચિલીની ખાણો અને બંદરોનું કામકાજ ખોરવાયું છે. ઓગસ્ટ મહિનામાં ચિલીની કોપર નિકાસ ઘટીને $4.62 બિલિયન થઈ ગઈ છે, જે જુલાઈની સરખામણીએ 14% ઓછી છે. ચિલીયન સ્ટેટ કોપર કમિશન (Cochilco) અનુસાર, ચિલી પોતાના બે-તૃતીયાંશ કાચો માલ સીધો ચીન મોકલે છે, જેનાથી તે ચીનની નીતિઓ પર વધુ પડતું નિર્ભર બની ગયું છે.
માઇનિંગ કંપનીઓની કમાણીમાં મોટો ઉછાળો
કોપરના ભાવમાં આગ ઝરતી તેજીને કારણે વૈશ્વિક માઇનિંગ જાયન્ટ્સ જેવી કે રિયો ટિંટો (Rio Tinto), બીએચપી (BHP), ગ્લેનકોર (Glencore) અને ઝિજિન માઇનિંગ (Zijin Mining) જેવી કંપનીઓએ તેમની તાજેતરની કમાણીના રિપોર્ટમાં રેકોર્ડબ્રેક બમ્પર નફો નોંધાવ્યો છે. નિષ્ણાતોના મતે ટૂંક સમયમાં તાંબાની આ કિંમતો ઘટવાના કોઈ સંકેત દેખાતા નથી.
કોપર અને કમોડિટી માર્કેટ અંગે વિશેષ માહિતી
'ડોક્ટર કોપર' તરીકેની ઓળખ: ફાઇનાન્શિયલ માર્કેટમાં કોપરને 'ડૉક્ટર કોપર' પણ કહેવામાં આવે છે, કારણ કે આ ધાતુનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, કન્સ્ટ્રક્શન અને ઓટોમોબાઇલ જેવા તમામ ક્ષેત્રોમાં થાય છે. કોપરના ભાવનો ઉછાળો વૈશ્વિક આર્થિક વૃદ્ધિ (Global Economic Growth) નો સંકેત માનવામાં આવે છે.
એક ઇલેક્ટ્રિક વાહનમાં કેટલું કોપર વપરાય છે?: સામાન્ય પેટ્રોલ-ડીઝલ કારમાં આશરે 8થી 22 કિલો કોપર વપરાય છે, જ્યારે એક ઇલેક્ટ્રિક વાહન (EV)માં 80થી 90 કિલો કોપરની જરૂર પડે છે. આ જ કારણસર આગામી દાયકામાં તાંબાની વૈશ્વિક માંગમાં અણધાર્યો વધારો થવાની ધારણા છે.
સબસ્ટિટ્યૂટ (વિકલ્પ)નો અભાવ: જોકે એલ્યુમિનિયમને તાંબાનો વિકલ્પ ગણવામાં આવે છે, પરંતુ વાહકતા (Electrical Conductivity) અને ટકાઉપણાના મામલે કોપર શ્રેષ્ઠ હોવાથી હાઇ-ટેક સેક્ટરમાં તેનો ઝડપી વિકલ્પ શોધવો મુશ્કેલ છે.








