Digital Transactions at Toll Plazas: દેશના નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર મુસાફરી કરનારાઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ટોલ પ્લાઝા પર રોકડ (Cash) વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારીમાં છે. 1 એપ્રિલ 2026થી ટોલ ટેક્સ ચૂકવવા માટે માત્ર FASTag અથવા UPI જેવા ડિજિટલ વિકલ્પો જ માન્ય રહેશે તેવી શક્યતા છે.
ડિજિટલ પેમેન્ટને વધુ પ્રોત્સાહન
છેલ્લા કેટલાક વર્ષોમાં FASTag નો ઉપયોગ 98 ટકા કરતાં વધુ વધ્યો છે. RFID આધારિત આ સિસ્ટમથી વાહનોને રોકાયા વગર ટોલ પસાર થવામાં સરળતા થાય છે. હવે તેની સાથે UPI પેમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ હોવાથી મુસાફરો માટે ડિજિટલ ચુકવણી વધુ સરળ બની ગઈ છે.
આ નિર્ણય પાછળના કારણો
ટોલ પ્લાઝા પરના મૂલ્યાંકન મુજબ રોકડ વ્યવહારને કારણે અનેક સમસ્યાઓ ઊભી થતી હતી:
- ટ્રાફિક જામ: રોકડ લેવડદેવડ અને પરચુરણમાં સમય જતાં લાંબી લાઈનો લાગી જતી હતી.
- વિવાદોની શક્યતા: રોકડની ગણતરી અને ચુકવણી બાબતે કર્મચારીઓ અને મુસાફરો વચ્ચે બોલાચાલી થતી હતી.
- સમય અને ઇંધણની બચત: ડિજિટલ પેમેન્ટથી વાહનો ઝડપથી પસાર થાય છે, જેના કારણે સમય તથા ઇંધણ બંનેની બચત થાય છે.
રોકડ ચૂકવણી મોંઘી પડશે
હાલના નિયમો મુજબ, જો કોઈ વાહન માન્ય FASTag વગર ટોલ પ્લાઝા પર પહોંચે અને રોકડમાં ચૂકવણી કરે, તો તેને નિર્ધારિત ટોલના બમણા (2 ગણાં) ચાર્જ ચૂકવવા પડે છે. જ્યારે UPI દ્વારા ચુકવણી કરવામાં આવે તો 1.25 ગણો ચાર્જ લેવામાં આવે છે. આ પગલાનો મુખ્ય હેતુ લોકોને રોકડથી દૂર રાખી ડિજિટલ વ્યવહાર તરફ પ્રોત્સાહિત કરવાનો છે.
દેશભરમાં લાગુ થશે નવી વ્યવસ્થા
સમગ્ર દેશમાં 1,150થી વધુ ટોલ પ્લાઝા પર આ નિયમ અમલમાં આવશે. આ પગલાથી હાઈવે પર મુસાફરી વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનવાની અપેક્ષા છે. જો તમે હાઈવે પર મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા હો, તો તમારા FASTagમાં પૂરતું બેલેન્સ છે તેની ખાતરી કરો અથવા UPI એપ સક્રિય રાખો - જેથી મુસાફરી દરમિયાન કોઈ અડચણ ન આવે.








