Budget 2026: મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ રવિવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત નવમી વખત બજેટ રજૂ કરતા દેશના અર્થતંત્ર, ઉત્પાદન અને નિકાસને વેગ આપવા માટે મોટી જાહેરાતો કરી છે. આ બજેટમાં સૌથી મહત્વની જાહેરાત દેશમાં સાત નવા હાઇ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની છે.
7 હાઇ-સ્પીડ રેલ કોરિડોરની ભેટ
નાણામંત્રીએ દેશના મોટા શહેરોને એકબીજા સાથે ઝડપથી જોડવા માટે 7 હાઇ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ કોરિડોર નીચેના રૂટ પર બનશે:
પુણે - મુંબઈ
પુણે - હૈદરાબાદ
હૈદરાબાદ - બેંગલુરુ
હૈદરાબાદ - ચેન્નાઈ
ચેન્નાઈ - બેંગલુરુ
દિલ્હી - વારાણસી
વારાણસી - સિલિગુડી
નાણામંત્રીએ કહ્યું કે પર્યાવરણને નુકસાન ન થાય તેવી મુસાફરી સુવિધા ઊભી કરવા અને શહેરો વચ્ચેનો વિકાસ વધારવા માટે આ કોરિડોર મહત્વના સાબિત થશે.
માલસામાન માટે નવો કોરિડોર
માલસામાનની હેરફેર ઝડપી અને સરળ બનાવવા માટે નાણામંત્રીએ એક નવા ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની જાહેરાત કરી છે. આ કોરિડોર પૂર્વ ભારતના દાનકુની ને પશ્ચિમ ભારતના સુરત સાથે જોડશે. આનાથી ઉદ્યોગોને મોટો ફાયદો થશે.
જળમાર્ગો અને શહેરી વિકાસ
સરકારે પાણીના રસ્તે વેપાર વધારવા પર પણ ભાર મૂક્યો છે. આગામી પાંચ વર્ષમાં 20 નવા જળમાર્ગો શરૂ કરવામાં આવશે. તેની શરૂઆત ઓડિશાથી થશે, જ્યાં ખનિજથી સમૃદ્ધ વિસ્તારો (તાલચેર અને અંગુલ) ને બંદરો (પારાદીપ અને ધામરા) સાથે જોડવામાં આવશે. આ ઉપરાંત, વારાણસી અને પટનામાં જહાજોના રિપેરિંગ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે 5 લાખથી વધુ વસ્તી ધરાવતા નાના અને મધ્યમ શહેરોમાં (ટિયર 2 અને ટિયર 3) પણ પાયાની સુવિધાઓનો વિકાસ ચાલુ રહેશે.








