બિઝનેસ

5-ડે વર્કિંગ માટે આરપારની લડાઈ: 27 જાન્યુઆરીએ દેશભરની બેંકો બંધ

27 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
5-ડે વર્કિંગ માટે આરપારની લડાઈ: 27 જાન્યુઆરીએ દેશભરની બેંકો બંધ

Bank strike nationwide: જો તમે 27 જાન્યુઆરીએ બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર નીકળવાની યોજના બનાવી રહ્યા હો, તો પહેલા આ જાણકારી જરૂર વાંચી લો. કારણ કે મંગળવાર, 27 જાન્યુઆરી 2026ના રોજ દેશભરમાં બેંકિંગ સેવાઓ ખોરવાઈ શકે છે. બેંક કર્મચારી યુનિયનો દ્વારા લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓના નિવેડા માટે દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળનું આહ્વાન યુનાઇટેડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન્સ (UFBU) દ્વારા કરાયું છે, જેના કારણે જાહેર ક્ષેત્રની બેંકોનું કામકાજ પ્રભાવિત થવાની શક્યતા છે.

સરકારી બેંકોના કર્મચારીઓ જોડાવાની સંભાવના
ઉલ્લેખનીય છે કે 24, 25 અને 26 જાન્યુઆરીએ અનુક્રમે ચોથો શનિવાર, રવિવાર અને રિપબ્લિક ડેના કારણે બેંકો બંધ રહી હતી. હવે જો 27 જાન્યુઆરીએ પણ હડતાળના કારણે બેંકો બંધ રહેશે, તો સતત ચાર દિવસ બેંકિંગ સેવાઓ બંધ રહેવાની સ્થિતિ ઊભી થશે. આવી પરિસ્થિતિમાં સામાન્ય ગ્રાહકોને કેશ ઉપાડ, ચેક ક્લિયરન્સ, ડ્રાફ્ટ, પાસબુક અપડેટ, લોન સંબંધિત કામગીરી સહિત અનેક સેવાઓમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. UFBU દ્વારા જાહેર કરાયેલી આ હડતાળમાં દેશભરની મોટાભાગની સરકારી બેંકોના કર્મચારીઓ જોડાવાની સંભાવના છે. તેમાં ખાસ કરીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, બેંક ઓફ ઈન્ડિયા, ઇન્ડિયન બેંક સહિતની જાહેર ક્ષેત્રની બેંકો સામેલ છે. હડતાળના ભાગરૂપે અનેક શહેરોમાં બેંક કર્મચારીઓએ પહેલેથી જ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધાં છે અને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

40 મિનિટ વધારાનું કામ કરવા પણ કર્મચારીઓ તૈયાર
બેંક યુનિયનોની મુખ્ય માંગ 'ફાઈવ ડે વર્કિંગ' એટલે કે અઠવાડિયામાં પાંચ દિવસ કામ અને બે દિવસ રજાનો નિયમ લાગુ કરવાનો છે. UFBUનું કહેવું છે કે માર્ચ 2024માં થયેલા વેતન સંશોધન કરાર દરમિયાન ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનિયનો વચ્ચે મહિનાના બાકી બે શનિવારે રજા આપવા અંગે સહમતિ થઈ હતી. તેના બદલામાં સોમવારથી શુક્રવાર સુધી રોજ 40 મિનિટ વધારાનું કામ કરવા પણ કર્મચારીઓ તૈયાર થયા હતા, જેથી કુલ કામકાજના કલાકોમાં કોઈ ઘટાડો ન થાય. તેમ છતાં, સરકાર અને સંબંધિત સત્તાવાળાઓ તરફથી હજી સુધી આ નિર્ણયને અમલમાં મૂકવા કોઈ સ્પષ્ટ પગલું ભરવામાં આવ્યું નથી.

શનિવારની રજાની માંગ કરી રહ્યા છે
બેંક યુનિયનોનું માનવું છે કે સપ્તાહમાં પાંચ દિવસનું કામકાજ થવાથી કર્મચારીઓ પરનું માનસિક દબાણ ઘટશે અને તેમની કાર્યક્ષમતા તેમજ સેવા ગુણવત્તામાં વધારો થશે. હાલ RBI, LIC, શેરબજાર, ફોરેક્સ માર્કેટ અને કેન્દ્ર સરકારના મોટા ભાગના વિભાગોમાં પહેલેથી જ પાંચ દિવસનું કામકાજ અમલમાં છે. એ જ ધોરણે બેંક કર્મચારીઓ પણ તમામ શનિવારની રજાની માંગ કરી રહ્યા છે. જોકે, આ નિર્ણય અમલમાં મૂકવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને કેન્દ્ર સરકારની મંજૂરી આવશ્યક છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2013થી બેંક કર્મચારીઓને દર મહિનાના ચાર રવિવાર અને બીજા તથા ચોથા શનિવારે રજા મળે છે. પરંતુ હવે તમામ શનિવાર રજાની માંગને લઈને સરકારના ઉદાસીન વલણથી કર્મચારીઓમાં અસંતોષ વધી રહ્યો છે. UFBU ભારતની 9 મુખ્ય બેંક યુનિયનોનું સામૂહિક મંચ છે, જે જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. આવી સ્થિતિમાં, 27 જાન્યુઆરીએ બેંક જતાં પહેલા તમારી બેંક ખુલ્લી છે કે નહીં તેની ખાતરી કરવી ખૂબ જરૂરી બની ગઈ છે.

Tags:
Gujarat NewsIBAFinancial Servicesનાણાકીય સેવાઓPublic Sector Banks
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026