India-EU trade deal: ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ સામે ઝૂકવાને બદલે ભારત સરકાર પોતાની સ્વતંત્ર વ્યાપારી રણનીતિ પર આગળ વધી રહી છે. તાજેતરમાં ઓમાન અને ન્યુઝીલેન્ડ સાથે થયેલા કરારો આ બાબતની સાબિતી છે. હવે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેનો મુક્ત વેપાર કરાર (FTA) પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે
ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓની ટીકા કરી
અહેવાલ મુજબ, આ કરાર પર મંજૂરીની અંતિમ મહોર 27 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી શકે છે. નિષ્ણાતોએ આ મોટા સોદા અંગે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓની ટીકા કરી છે. 'ધ ગ્રેટ રીસેટ' ના લેખક અને વ્યુહાત્મક વિશ્લેષક નવરૂપ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું કે, 'આ સમાચાર સાબિત કરે છે કે અંતે અમેરિકનોની હાર થઈ છે.'
27 જાન્યુઆરીએ એક મોટો સોદો
યુરોપિયન યુનિયન આગામી 27 જાન્યુઆરીએ ભારત સાથેના તેના અત્યાર સુધીના સૌથી મોટા વેપાર કરારને ઔપચારિક મંજૂરી આપી શકે છે. અહેવાલ અનુસાર, આ કરાર પર હસ્તાક્ષર કરવા માટે EUના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ નવી દિલ્હીની મુલાકાત લેશે. આ કરારની સૌથી મહત્વની બાબત એ છે કે ભારત-EU FTAમાંથી કૃષિ ક્ષેત્રને બાકાત રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે ભારત અને અમેરિકા વચ્ચે અટકેલા વેપાર કરારમાં કૃષિ અને ડેરી ઉત્પાદનો જ મુખ્ય અવરોધ રહ્યા છે.
અહેવાલ મુજબ, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને બુધવારે યુરોપિયન સંસદના સભ્યો સાથેની બેઠકમાં પુષ્ટિ કરી હતી કે આ કરાર પર ચાલુ મહિને જ હસ્તાક્ષર કરવામાં આવશે અને તેમાં કૃષિનો સમાવેશ થશે નહીં. 27 જાન્યુઆરીએ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવા માટે ભારત આવશે.
આ ટ્રમ્પ માટે એક સંદેશ છે
વેપાર કરારના આ મોટા સમાચાર બાદ, 'ધ ગ્રેટ રીસેટ' ના લેખક અને વ્યૂહાત્મક વિશ્લેષક નવરૂપ સિંહે ભારત-EU સોદો અંતિમ તબક્કામાં પહોંચવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે, 'કૃષિ ક્ષેત્રને બાકાત રાખીને આ કરારને જે રીતે અંતિમ સ્વરૂપ અપાઈ રહ્યું છે, તે અમેરિકી પ્રમુખ માટે એક સ્પષ્ટ સંદેશ છે. આ સાબિત કરે છે કે ભારત તેના કૃષિ અને ડેરી જેવા પાયાના હિતો સાથે ક્યારેય કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે નહીં.'
ભારત પોતાના મુખ્ય હિતો સાથે ક્યારેય સમાધાન કરશે નહીં
નવરૂપ સિંહે પોસ્ટમાં લખ્યું કે, 'આ આગામી કરાર એક મજબૂત સંદેશ છે કે ભારત પોતાના મુખ્ય હિતો સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. પછી ભલે તે ન્યુઝીલેન્ડ સાથેનો વ્યાપાર સોદો હોય, ફ્રાન્સ સાથેનો રાફેલ સોદો હોય કે જર્મની સાથેનો સબમરીન સોદો ભારતનો ઉદ્દેશ્ય હંમેશા પોતાના હિતો જાળવીને ભારતીય ઉત્પાદનો માટે વિશ્વના સૌથી મોટા બજારો ખોલવાનો રહ્યો છે.'
ભારત ટેરિફના પડકારોનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે
વ્યૂહાત્મક વિશ્લેષક નવરૂપ સિંહે નોંધ્યું છે કે બ્રિટન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઓમાન સાથેના ભારતના તાજેતરના મુક્ત વેપાર કરારો હેઠળ 99% ભારતીય માલ પર શૂન્ય ટેરિફનો લાભ મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર એક કુશળ વ્યાવસાયિકની જેમ રમી રહ્યું છે અને ટ્રમ્પના ઊંચા ટેરિફના જોખમોનો અસરકારક રીતે સામનો કરી રહ્યું છે. દરેક નવા વેપાર અને સંરક્ષણ સોદા સાથે ભારત વૈશ્વિક સ્તરે અમેરિકાના એકાધિકાર અને દબાણને ઘટાડી રહ્યું છે, જે લાંબા ગાળે અમેરિકા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.








