Ganeshotsav Festival Economy Ahmedabad: જેમના સ્મરણ માત્રથી સઘળા વિઘ્નો દૂર થાય છે તેવા દુંદાડા દેવ ગણપતિજીના પર્વ ગણેશ ચતુર્થીની દેશભર સહિત અમદાવાદમાં ભારે આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. દાયકાઓ અગાઉ ગણેશોત્સવ માત્ર ઘરના મંદિરમાં ડેકોરેશન, પૂજા-અર્ચના અને સાદગીભરી આરાધના સુધી સીમિત હતો, પરંતુ આજે તેણે એક વિશાળ ધાર્મિક ઈકોનોમીનું સ્વરૂપ ધારણ કર્યું છે. બાપ્પાની આરાધનાની સાથે સાથે મૂર્તિ, મંડપ, લાઈટિંગ, સાઉન્ડ સિસ્ટમ, ફૂલ-ફળ અને પ્રસાદ સહિતના ક્ષેત્રોમાં ભારે ખરીદી જોવા મળી રહી છે. જેના પરિણામે અમદાવાદમાં માત્ર 10 દિવસના આ ઉત્સવ દરમિયાન જ આશરે 250 કરોડ રૂપિયાનું નવું અર્થતંત્ર ઊભું થાય છે.
સ્વતંત્રતા ચળવળની લોકજાગૃતિથી આધુનિક ધાર્મિક ઈકોનોમી સુધીની સફર
સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત પાછળનો મૂળ હેતુ ધાર્મિક કરતાં પણ વધુ રાષ્ટ્રવાદી હતો. અંગ્રેજોના શાસનકાળમાં જાહેર મેળાવડા પર પ્રતિબંધ હોવાથી લોકમાન્ય બાળ ગંગાધર તિલકે ધાર્મિક કાર્યક્રમોની છૂટછાટનો ઉપયોગ કરીને ગણેશોત્સવને સાર્વજનિક સ્વરૂપ આપ્યું હતું. ઘરમાં થતી પૂજાને જાહેર પંડાલ સુધી લઈ જઈને લોકોને એકત્રિત કરવાનું અને સ્વતંત્રતા માટે જાગૃતિ લાવવાનું માધ્યમ બનાવવામાં આવ્યું હતું. આજે એ જ પરંપરા એક મોટી આર્થિક પ્રવૃત્તિ બની ચૂકી છે, જ્યાં નાની સોસાયટીઓથી લઈને મોટા પંડાલો અને કોર્પોરેટ ઓફિસોમાં સ્થાપના થવાથી હજારો નાના-મોટા વેપારીઓને રોજીરોટી મળી રહી છે.
દસ વર્ષમાં વેપાર અઢી ગણો વધ્યો
છેલ્લા દસ વર્ષમાં ગણેશોત્સવનું બજાર અઢી ગણું વધીને 250 કરોડના આંકડે પહોંચી ગયું છે. 10 વર્ષ અગાઉ મોંઘવારીના ઓછા દર અને મર્યાદિત આયોજનોને કારણે અમદાવાદમાં આ વેપાર 100 કરોડ આસપાસ હતો. ઉત્સવ દરમિયાન પ્રસાદ માટે મોદક અને મોતીચૂરના લાડુનું ધૂમ વેચાણ થાય છે. આ વર્ષે કાચા માલના ભાવ વધતાં મોદકના ભાવ 680 પ્રતિ કિલો પહોંચ્યા છે અને બજારમાં 54 પ્રકારના મોદક જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત, સોની બજારમાં બાપ્પા માટે ચાંદીની પાટ, કડા, કાનના કુંડળ અને 6 કેરેટ સોનામાંથી બનતા આકર્ષક મુગટની ભારે માંગ જોવા મળી રહી છે.
ફૂલ અને ફળ બજારમાં આવક ઘટી અને ભાવમાં મોટો ઉછાળો
ગણેશોત્સવ દરમિયાન ફૂલોની માંગમાં છ ગણો વધારો નોંધાયો છે. સામાન્ય દિવસોમાં દરરોજ 10થી 12 હજાર કિલો ફૂલોનું વેચાણ થાય છે, જે ગણેશોત્સવમાં વધીને 50 હજાર કિલોએ પહોંચી જાય છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી ફૂલોનો જથ્થો મંગાવવામાં આવી રહ્યો છે, જેના કારણે ગલગોટા અને ગુલાબના ભાવ 200થી 300 રુપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે, જ્યારે લાલ જાસૂદનો ભાવ 5 રુપિયામાંથી બમણો થઈને 10 થયો છે. બીજી તરફ કાશ્મીર અને શિમાલામાં અસ્તવ્યસ્ત હવામાન અને ભારે વરસાદ-બરફવર્ષાના કારણે સફરજન અને પેર જેવા ફળોની આવક 50% ઘટી ગઈ છે, જેના લીધે ફળોના ભાવમાં પણ 30થી 40%નો વધારો થયો છે.
પર્યાવરણપ્રેમી ઈકો-ફ્રેન્ડલી ગણેશજી અને સ્થાનિક મૂર્તિકારોની કમાણી
છેલ્લા કેટલાક વર્ષોમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની મૂર્તિઓના બદલે માટીના (ઇકો-ફ્રેન્ડલી) ગણેશજીની સ્થાપના કરવાનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે. તેનાથી સ્થાનિક કારીગરો અને મૂર્તિકારોને સીધો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. આ ઉપરાંત, પંડાલ મેનેજમેન્ટ, ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સ, સિક્યુરિટી ગાર્ડ્સ, ઢોલ-તાશા પાથક ગ્રુપ્સ અને સ્થાનિક ટ્રાન્સપોર્ટ ઓપરેટરો માટે પણ આ 10 દિવસો વર્ષની સૌથી મોટી કમાણીની સિઝન બની રહે છે, જે દિવાળી પહેલા બજારમાં નવી રોકડ સક્રિય કરવાનું કામ કરે છે.








