Global transit route: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બાબ અલ-મંદેબમાં જહાજોની અવરજવર પહેલેથી જ પ્રભાવિત છે, ત્યારે હવે વૈશ્વિક શિપિંગ રૂટ પરથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પનામા કેનાલ ઓથોરિટીના નવા વહીવટકર્તા ઇલ્યા એસ્પિનો ડે મારોટાએ ચેતવણી આપી છે કે ગંભીર પાણીની અછતને કારણે આગામી મહિનાઓમાં કેનાલમાંથી પસાર થતા જહાજોની સંખ્યામાં વધુ ઘટાડો થઈ શકે છે. હાલમાં દરરોજ આશરે 32 જહાજોની અવરજવર થાય છે, જે ઘટીને 27 સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
1997ના સૌથી સૂકા વર્ષના મોડેલિંગ પર આધારિત
એસ્પિનો ડે મારોટાના જણાવ્યા અનુસાર આ અંદાજ 1997ના સૌથી સૂકા વર્ષના મોડેલિંગ પર આધારિત છે. એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરને જોડતી આશરે 82 કિલોમીટર લાંબી પનામા કેનાલ વૈશ્વિક વેપારના 3 ટકાથી વધુ હિસ્સા માટે મહત્વપૂર્ણ જળમાર્ગ છે. કેનાલની લોક સિસ્ટમ માટે મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે અને વરસાદમાં ઘટાડો થતાં પાણીનું સ્તર જાળવી રાખવા જહાજોની અવરજવર મર્યાદિત કરવાની ફરજ પડે છે.
જહાજોની સંખ્યા મર્યાદિત થતાં માલ પરિવહનનો ખર્ચ
પનામા કેનાલમાં ટ્રાન્ઝિટ ઘટવાથી વૈશ્વિક સપ્લાય ચેઇન પર સીધી અસર થવાની શક્યતા છે. જહાજોની સંખ્યા મર્યાદિત થતાં માલ પરિવહનનો ખર્ચ વધી શકે છે અને ડિલિવરીમાં વિલંબ થઈ શકે છે. આબોહવા પરિવર્તનના કારણે પાણીની અછત સંબંધિત આવી પરિસ્થિતિ હવે વધુ વાર જોવા મળી રહી હોવાનું પણ જણાવાયું છે. એક તરફ યુદ્ધને કારણે અન્ય દરિયાઈ માર્ગો પર દબાણ છે, ત્યારે પનામા કેનાલનું સંકટ વૈશ્વિક વેપાર માટે નવી મુશ્કેલી ઊભી કરી શકે છે.
1999માં તેનું નિયંત્રણ પનામાને સોંપવામાં આવ્યું
પનામા કેનાલનું નિર્માણ ફ્રાન્સે 1881માં શરૂ કર્યું હતું, પરંતુ ટેકનિકલ મુશ્કેલીઓના કારણે પ્રોજેક્ટ અટકી ગયો હતો. બાદમાં અમેરિકાએ તેનું કામ પૂર્ણ કરીને 1914માં કેનાલને વહાણવ્યવહાર માટે ખુલ્લી મૂકી હતી અને 1999માં તેનું નિયંત્રણ પનામાને સોંપવામાં આવ્યું હતું. તેની લોક સિસ્ટમ જહાજોને સમુદ્ર સપાટીથી ઉપર ઉઠાવી ગેટુન લેક સુધી લઈ જાય છે, જેના કારણે દક્ષિણ અમેરિકાનો હજારો કિલોમીટર લાંબો દરિયાઈ ચક્કર ટાળી શકાય છે. હવે પાણીની ઉપલબ્ધતા આ મહત્વપૂર્ણ વૈશ્વિક વેપાર માર્ગ માટે સૌથી મોટો પડકાર બની રહી છે.








