UPI MDR Merchant Charges Postponed Diwali 2026: UPI પેમેન્ટ્સ પર લાગૂ થનારા નવા મર્ચન્ટ ચાર્જને દિવાળીના તહેવારો સુધી મોકૂફ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ નિર્ધારિત યોજના મુજબ 15 ઓક્ટોબર, 2026થી ₹2,000થી વધુ રકમના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ વસૂલવાનો નિર્ણય અમલમાં આવવાનો હતો. જોકે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ તહેવારોની સિઝનમાં વેપારીઓ અને ગ્રાહકોની સુવિધા માટે તેને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. NPCI દ્વારા જણાવાયું છે કે, દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ નવો ચાર્જ અમલી બનાવવામાં આવશે.
સરકાર અને NPCIના MDR પ્રસ્તાવની મુખ્ય બાબતો
નવા નિયમો મુજબ જારી કરાયેલા પ્રસ્તાવની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે:
2000થી વધુના પેમેન્ટ પર ચાર્જ: 2000થી વધુના ડિજિટલ ચૂકવણા પર વેપારીને મળનારી રકમમાંથી 0.4% એમડીઆર ચાર્જ કાપવામાં આવશે.
મહત્તમ ચાર્જ મર્યાદા: ₹75,000 અથવા તેનાથી વધુ રકમના ટ્રાન્ઝેક્શન માટે મહત્તમ ચાર્જ ₹300 (વત્તા 18% જીએસટી) નક્કી કરવામાં આવ્યો છે.
વિશેષ ક્ષેત્રો માટે ફ્લેટ ફી: પેટ્રોલ પંપ, રેલવે, ટેલિકોમ્યુનિકેશન, ઇન્સ્યોરન્સ, યુટિલિટી બિલ અને શિક્ષણ ક્ષેત્રના વેપારીઓ માટે 2000થી વધુના ચૂકવણા પર 0.4%ના બદલે ફ્લેટ ₹5નો જ ચાર્જ લાગૂ પડશે.
સામાન્ય ગ્રાહકોને સંપૂર્ણ રાહત: બે વ્યક્તિઓ વચ્ચે થતી સામાન્ય નાણાકીય લેવડ-દેવડ (P2P - Person to Person) સંપૂર્ણપણે મફત રહેશે. આ ચાર્જ ગ્રાહકોએ નહીં પરંતુ માત્ર વેપારીઓએ જ ભોગવવાનો રહેશે.
શું હોય છે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)?
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR એ એક એવી પ્રોસેસિંગ ફી છે જે કોઈપણ દુકાનદાર કે વેપારી ડિજિટલ પેમેન્ટની સુવિધા મેળવવા બદલ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવે છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્કને સુરક્ષિત તથા અવિરત રીતે ચલાવવા માટે આ પ્રોસેસિંગ ખર્ચ વસૂલવામાં આવે છે. નિયમ મુજબ આ ફી હંમેશાં વેપારી પોતે ચૂકવે છે અને ગ્રાહકના એકાઉન્ટમાંથી કોઈ વધારાની રકમ કાપવામાં આવતી નથી.
નાના વેપારીઓને રાહત અને નવી વર્ગીકરણ પદ્ધતિ
નવા નિયમોમાં દેશના નાના વેપારીઓના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે:
નાના વેપારીઓને મુક્તિ: જે દુકાનદારોનું મહિને યુપીઆઈ દ્વારા કુલ કલેક્શન ₹1 લાખ સુધીનું છે, તેમના પર ₹2,000થી વધુના ટ્રાન્ઝેક્શન પર પણ કોઈ MDR ચાર્જ લાગશે નહીં.
કેટેગરી બદલવાનો નિયમ: જો કોઈ નાનો દુકાનદાર સતત 3 મહિના સુધી દર મહિને ₹1 લાખથી વધુનું UPI કલેક્શન મેળવે છે, તો સિસ્ટમ તેને ઓટોમેટિક 'મોટા મર્ચન્ટ'ની સીરીઝમાં શિફ્ટ કરી દેશે અને ત્યારબાદ ચાર્જ લાગુ થશે.
₹2000 સુધીનું વેચાણ મફત: મોટા વેપારીઓને પણ ₹2000 કે તેથી નાની રકમના નાના ટ્રાન્ઝેક્શન પર કોઈ પ્રોસેસિંગ ફી આપવી પડશે નહીં.
ટ્રાન્ઝેક્શન દીઠ ગણતરી: ₹2000ની આ મર્યાદા આખા દિવસના કુલ વેચાણ પર નહીં પરંતુ દરેક સિંગલ પેમેન્ટ પર અલગ-અલગ ગણવામાં આવશે.
ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સની સરખામણીએ UPI ચાર્જ ઘણો સસ્તો
નાણાકીય વિશ્લેષકોના જણાવ્યા મુજબ ક્રેડિટ કાર્ડ પર લાગતા 1.5%થી 2.5% અને ડેબિટ કાર્ડ પર લાગતા 0.90% સુધીના MDR ચાર્જની સરખામણીએ UPI પરનો 0.4%નો ચાર્જ અત્યંત ઓછો અને વ્યાજબી છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, દેશમાં ડિજિટલ ઇકોનોમી અને કેશલેસ ટ્રાન્ઝેક્શનને વેગ આપવા માટે ગ્રાહકો પર ક્યારેય કોઈ વધારાનો બોજ નાખવામાં આવશે નહીં. તહેવારોની સિઝનમાં ચાર્જ લંબાવાતા વેપારીઓએ આ નિર્ણયને આવકાર્યો છે.








