RBI New ATM & Card Payment Guidelines 2026: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા ગ્રાહકોની સુવિધા અને ડિજિટલ-કેશ વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા માટે ATM અને કાર્ડ પેમેન્ટ અંગે નવી વિસ્તૃત ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. આ નવા અને સરળ નિયમો મુજબ હવે સામાન્ય નાગરિકો બેંકના ATM ઉપરાંત નજીકની દુકાન પરથી પણ UPI અને ડેબિટ કાર્ડ દ્વારા રોકડ રકમ ઉપાડી શકશે. આ સાથે જ ગ્રાહકોને અણધાર્યા ચાર્જથી બચાવવા માટે ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થતાં પહેલાં બેંક દ્વારા ગ્રાહકોને અગાઉથી એલર્ટ પણ મોકલવામાં આવશે. જોકે, RBIએ ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ પૂરી થયા બાદ વસૂલવામાં આવતા ચાર્જમાં પણ ફેરફાર કર્યો છે.
RBIની નવી માસ્ટર ગાઈડલાઈન
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ATMમાંથી રોકડ ઉપાડવા અને PoS ટર્મિનલ દ્વારા કેશ વિડ્રોલ સંબંધિત તમામ નિયમોને એકસાથે જોડીને નવી માસ્ટર ગાઈડલાઈન બહાર પાડી છે. આ અંતર્ગત ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની માસિક મર્યાદા પહેલાં જેવી જ યથાવત રાખવામાં આવી છે, પરંતુ ફ્રી લિમિટ પૂરી થયા બાદ બેંક પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ ₹23 અને લાગુ ટેક્સ વસૂલી શકશે. આ તમામ નવા નિયમો ગત 27 નવેમ્બર, 2026થી અમલમાં આવી ગયા છે.
ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની લિમિટમાં કોઈ ફેરફાર નહીં
RBIના નવા નિયમો હેઠળ ગ્રાહકો પોતાના જ બેંકના ATMમાંથી દર મહિને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશે, જેમાં રોકડ ઉપાડવા અને બેલેન્સ ચેક કરવા કે મિની સ્ટેટમેન્ટ જેવા નોન-ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન બંનેનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય બેંકના ATMમાંથી મેટ્રો શહેરોમાં દર મહિને 3 અને નોન-મેટ્રો શહેરોમાં દર મહિને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે. જોકે, બંને પ્રકારના ATMનો ઉપયોગ કરવા પર કુલ ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા 5 જ રહેશે, પરંતુ જો કોઈ બેંક ઈચ્છે તો પોતાના ગ્રાહકોને તેનાથી વધુ ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા આપી શકે છે.
ફ્રી લિમિટ બાદ લાગશે ₹23 સુધીનો ચાર્જ
ફ્રી ટ્રાન્ઝેક્શનની માસિક મર્યાદા પૂરી થયા બાદ બેંક દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર મહત્તમ ₹23 અને લાગુ ટેક્સ (GST) ચાર્જ કરી શકે છે, જેના માટે દરેક બેંકે પોતાના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી સ્પષ્ટ પોલિસી બનાવવી પડશે. ગ્રાહકોને પારદર્શક માહિતી મળી રહે તે માટે RBI એ તમામ બેંકોને ગ્રાહકોની ફ્રી લિમિટ પૂરી થતાં પહેલાં SMS કે ઈમેલ દ્વારા એલર્ટ આપવાની સિસ્ટમ વિકસાવવા નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત, દરેક ATM પર તે સ્થળ 'મેટ્રો' શ્રેણીમાં આવે છે કે 'નોન-મેટ્રો' શ્રેણીમાં, તેની સ્પષ્ટ જાણકારી ATM ની સ્ક્રીન, પોસ્ટર અથવા સ્ટીકર દ્વારા પ્રદર્શિત કરવી ફરજિયાત રહેશે.
ફેઈલ ટ્રાન્ઝેક્શન પર નહીં કપાય એક પણ રૂપિયો
ગ્રાહકોના હિતનું રક્ષણ કરતા RBI એ સ્પષ્ટ કર્યું છે કે, જો ATM માંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કોઈ ટેકનિકલ ખામી, મશીનમાં રોકડ (કેશ) ઉપલબ્ધ ન હોવા, હાર્ડવેર, સોફ્ટવેર અથવા કોમ્યુનિકેશન નેટવર્કની સમસ્યાના કારણે નિષ્ફળ (ફેઈલ) જાય છે, તો તેને માન્ય ટ્રાન્ઝેક્શન ગણવામાં આવશે નહીં. એટલું જ નહીં, ખોટા PIN નાખવાને કારણે અથવા બેંક તરફથી વેલિડેશનમાં થયેલી ખામીના કારણે ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર પણ ગ્રાહક પાસેથી કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં અને તેને માસિક ફ્રી લિમિટમાં પણ ગણવામાં આવશે નહીં.
PoS મશીન અને UPIથી પણ દુકાન પરથી ઉપાડી શકશો કેશ
નવી ગાઈડલાઈન મુજબ ગ્રાહકો ડેબિટ કાર્ડ, ફુલ-KYC પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ (PPI) અને UPI દ્વારા પસંદગીના વેપારી આઉટલેટ (મર્ચન્ટ સ્ટોર્સ) પરથી રોકડા પૈસા ઉપાડી શકશે. આ સુવિધા હેઠળ પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ ₹2,000 અને સમગ્ર મહિનામાં કુલ ₹10,000 સુધીની રોકડ ઉપાડી શકાશે, જેના પર ગ્રાહક પાસેથી લેવામાં આવતો સર્વિસ ચાર્જ 1 ટકાથી વધુ નહીં હોય. સૌથી મહત્વની અને રાહતદાયક બાબત એ છે કે દુકાન પરથી કેશ ઉપાડવાની આ સુવિધા કોઈપણ પ્રકારની ખરીદી કર્યા વિના પણ ઉપલબ્ધ રહેશે, અને જો ગ્રાહક ખરીદીની સાથે કેશ ઉપાડે છે તો બિલની રિસિપ્ટમાં રોકડની રકમ અલગથી દર્શાવવી પડશે.
કાર્ડ પેમેન્ટના નિયમો પણ થયા સરળ
RBI ના નવા કાર્ડ પેમેન્ટ નિયમો હેઠળ ₹5,000 સુધીના કોન્ટેક્ટલેસ (ટેપ એન્ડ પે) પેમેન્ટ પર વધારાના ઓથેન્ટિકેશન (PIN)ની જરૂર રહેશે નહીં, જ્યારે તેનાથી વધુ રકમના પેમેન્ટ માટે કાર્ડને મશીનમાં દાખલ કરીને PIN દ્વારા ઓથેન્ટિકેશન કરવું પડશે. જો ગ્રાહક ઈચ્છે તો ₹5,000થી ઓછી રકમ પર પણ PIN દ્વારા પેમેન્ટ કરી શકે છે અને કોઈપણ બેંક કે વેપારી ગ્રાહકોને કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે ફરજ પાડી શકશે નહીં. આ ઉપરાંત, બેંકોએ ગ્રાહકોને 24 કલાક પોતાના કાર્ડના ડોમેસ્ટિક, ઈન્ટરનેશનલ, ઓનલાઈન અને કોન્ટેક્ટલેસ વ્યવહારો ચાલુ-બંધ કરવાની તથા ટ્રાન્ઝેક્શન લિમિટ બદલવાની સુવિધા આપવી પડશે. સાથે જ ક્રેડિટ કાર્ડ જારી કરતી બેંકોએ યોગ્ય ગ્રાહકોને પોતાની પસંદગીનું કાર્ડ નેટવર્ક પસંદ કરવાનો વિકલ્પ પણ આપવો પડશે.
વિશેષ અને વધારાની માહિતી
42 જૂના સર્ક્યુલરને એક જ માસ્ટર નિર્દેશમાં સમાવાયા: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 'પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ, 2007' હેઠળ ATM અને કેશ વિડ્રોલ સંબંધિત 17 જૂના સર્ક્યુલર તથા કાર્ડ પેમેન્ટ સંબંધિત 25 જૂના સર્ક્યુલરને એકત્ર કરીને આ સરળ માસ્ટર ગાઈડલાઈન જારી કરી છે.
ફરિયાદ નિવારણ અને વળતરની જોગવાઈ: જો કોઈ બેંક કે ATM ઓપરેટર નિયમોનું ઉલ્લંઘન કરે અથવા ફેલ ટ્રાન્ઝેક્શનના પૈસા નિર્ધારિત સમયમાં પરત ન કરે, તો ગ્રાહકો RBI Integrated Ombudsman Scheme, 2026 હેઠળ ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે અને નિયમ મુજબ વિલંબ બદલ દૈનિક ₹100ના દરે વળતર મેળવવા હકદાર બને છે.








