Indian Stock Market: ભારતીય શેરબજારમાં ઘટાડાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે પણ બજાર દબાણમાં રહ્યું હતું અને ગઈકાલે પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. બજાર પર દબાણનું એક મોટું કારણ ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલો ઉછાળો માનવામાં આવી રહ્યો છે. હવે UBS ઇન્વેસ્ટમેન્ટ બેંકના મુખ્ય વૈશ્વિક વ્યૂહરચનાકાર ભાનુ બાવેજાની ચેતવણીએ રોકાણકારોની ચિંતા વધારી છે.
શેરબજારમાં મોટા ઘટાડાના સંકેત?
બાવેજાના જણાવ્યા અનુસાર, ચીનની ઓઈલ માગમાં વધારો અને હોર્મુઝમાંથી ઓઈલ સપ્લાયમાં અવરોધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. જો આવું થાય તો વૈશ્વિક શેરબજારો પર ભારે દબાણ આવી શકે છે અને ભારત જેવા ઓઈલ આયાત પર નિર્ભર દેશોમાં તેની અસર વધુ જોવા મળી શકે છે. બાવેજાએ કહ્યું કે શરૂઆતમાં હોર્મુઝમાં અવરોધ સર્જાયો ત્યારે ઓઈલના ભાવ 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, આવું થયું નહોતું અને ભાવ લાંબા સમય સુધી 120 ડોલર સુધી પણ ટકી શક્યા નહોતા. તેમના મતે આ પાછળ ચીનની ઓઈલ ખરીદી મહત્વનું કારણ હતું.
ફરી ઓઈલ માર્કેટમાં પરત ફર્યું ચીન
બાવેજાના અનુસાર, વર્ષની શરૂઆતમાં ચીનની ઓઈલ ખરીદી ઓછી હતી. તેથી સપ્લાયમાં અવરોધ હોવા છતાં વૈશ્વિક ઈન્વેન્ટરી પર એટલું દબાણ આવ્યું નહોતું. હવે ચીન ફરીથી બજારમાં સક્રિય થયું છે. ઓઈલના ભાવ ઘટવાની રાહ જોઈ રહેલી એરલાઇન્સ અને અન્ય કંપનીઓ પણ ખરીદી તરફ પાછી ફરી શકે છે. બીજી તરફ સપ્લાય હજુ મર્યાદિત હોવાથી ઓઈલના ભાવ પર ઉપર તરફનું દબાણ વધી શકે છે.
હોર્મુઝમાંથી 14 મિલિયન બેરલ ઓઈલનો પુરવઠો અટક્યો?
મનીકંટ્રોલના અહેવાલ અનુસાર, બાવેજાએ જણાવ્યું કે હોર્મુઝમાંથી અગાઉ દરરોજ લગભગ 20 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પસાર થતા હતા. અવરોધ બાદ કેટલાક જહાજો પસાર થઈ રહ્યા હોવા છતાં પ્રવાહ ઘટીને લગભગ એક તૃતીયાંશ એટલે કે 6 મિલિયન બેરલ જેટલો રહ્યો છે. એટલે લગભગ 14 મિલિયન બેરલનો પુરવઠો હજુ આ માર્ગ પરથી પસાર થઈ શકતો નથી. તેમના મતે આ સ્થિતિ ભારતીય અને વૈશ્વિક બંને બજારો માટે મોટું જોખમ ઊભું કરી શકે છે. બાવેજાએ કહ્યું કે બજારમાં હવે એવી ધારણા પણ બની રહી છે કે અમેરિકી પ્રશાસન એકલા હાથે આ અવરોધનો ઉકેલ લાવી શકશે નહીં. જોકે, બજાર પર દબાણ વધે તો વ્હાઇટ હાઉસ માટે ટેરિફ અથવા અન્ય નીતિઓમાં ફેરફાર કરવાની શક્યતા ઊભી થઈ શકે છે.
બજાર સ્થિર પણ થઈ શકે છે
નિષ્ણાતોના મતે બજારમાં અત્યારે એક તરફ ભય છે, પરંતુ બીજી તરફ શેર અને કરન્સી માર્કેટમાં અસ્થિરતા નીચલા સ્તરની નજીક હોવાને કારણે સ્થિતિ સ્થિર થવાની શક્યતા પણ છે. એટલે ઓઈલના ભાવમાં વધુ ઉછાળો આવે છે કે સપ્લાયની સ્થિતિ સુધરે છે તેના પર બજારની આગામી દિશા નિર્ભર રહી શકે છે.
ઓઈલ મોંઘું થશે તો મોંઘવારીનું સંકટ વધશે
ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો માત્ર પેટ્રોલ-ડીઝલ પૂરતો સીમિત નહીં રહે. નેફ્થા અને ખાતર જેવા ક્ષેત્રોમાં પણ ખર્ચ વધી શકે છે. ખાતરની વધતી કિંમત આગળ જતાં ખાદ્ય ફુગાવા પર અસર કરી શકે છે. નિષ્ણાતોના મતે ભારત જેવી ઓઈલ આયાત પર નિર્ભર અર્થવ્યવસ્થા માટે લાંબા સમય સુધી મોંઘું ક્રૂડ સારા સમાચાર નથી અને જો વર્તમાન સ્થિતિ યથાવત રહે તો કિંમતોમાં વધુ વધારો જોવા મળી શકે છે.








