Gold silver price crash today November 2026: લગ્નસરાની સિઝન અને રોકાણ માટે સોના-ચાંદીની ખરીદી કરવા ઈચ્છતા ગ્રાહકો માટે અત્યારે સર્વશ્રેષ્ઠ તક ઊભી થઈ છે. સ્થાનિક હાજર બજાર અને વાયદા બજાર બંનેમાં સોના-ચાંદીના ભાવમાં સતત મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર સોમવારે સોનું એક જ ઝાટકે આશરે ₹1400 જેટલું સસ્તું થઈ ગયું છે, જ્યારે ચાંદીમાં પણ ₹5588થી વધુનો કડાકો બોલાયો છે. બજારના આ સતત ઘટાડાને જોતા નિષ્ણાતોનો એ અંદાજ સાચો પડતો જણાય છે, જેમાં તેમણે આગાહી કરી હતી કે આગામી સમયમાં સોનાનો ભાવ ઘટીને ₹1 લાખ સુધી નીચે આવી શકે છે.
IBJA મુજબ ચાંદી 11 મહિનાના તળિયે
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આજે 1 કિલો ચાંદીની કિંમતમાં ₹8720નો તોતિંગ ઘટાડો થતાં ભાવ ₹1.69 લાખ પર આવી ગયો છે. ચાંદીના ભાવ 11 મહિના બાદ ₹1.70 લાખની સપાટીથી નીચે સરક્યા છે (અગાઉ 1 ડિસેમ્બર, 2025ના રોજ ભાવ ₹1.64 લાખ હતા). બીજી તરફ, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1429 ઘટીને ₹1.34 લાખ પર આવી ગયો છે, જે ગત શુક્રવારે ₹1.36 લાખ પર બંધ રહ્યો હતો.
ઓલ ટાઈમ હાઈ સપાટીથી ચાંદી ₹2.17 લાખ અને સોનું ₹42,000 સસ્તું થયું
ચાલુ નવેમ્બર મહિનામાં જ અત્યાર સુધીમાં ચાંદી ₹17,000 અને સોનું ₹6,000 જેટલું સસ્તું થઈ ચૂક્યું છે. જો વર્ષની સર્વોચ્ચ સપાટી સાથે સરખામણી કરીએ તો 29 જાન્યુઆરીના રોજ ચાંદી ₹3.86 લાખના ઐતિહાસિક શિખરે પહોંચી હતી, જ્યાંથી અત્યાર સુધીમાં તે ₹2.17 લાખ સસ્તી થઈ ગઈ છે એેવી જ રીતે 29 જાન્યુઆરીએ ₹1.76 લાખની ટોચે પહોંચેલું સોનું અત્યાર સુધીમાં ₹42,000 જેટલું ઘટી ચૂક્યું છે.
MCX વાયદા બજારમાં ભારે વેચવાલી
સ્થાનિક વાયદા બજારમાં MCX પર સોનાનો 4 ડિસેમ્બર, 2026નો વાયદો ₹1237 (0.90%) ના ઘટાડા સાથે ₹1,35,468 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે, જે કારોબાર દરમિયાન ₹1,35,312ના નીચલા સ્તર સુધી ગયો હતો. જ્યારે ચાંદીના 4 ડિસેમ્બરના વાયદામાં સૌથી મોટું દબાણ જોવા મળ્યું અને તે ₹5,588 (3.17%) તૂટીને ₹1,70,721 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસ દરમિયાન ₹1,69,557ના તળિયે પણ પહોંચ્યો હતો.
કોમેક્સ પર સોના-ચાંદીના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતી ધાતુઓમાં દબાણ યથાવત છે. વૈશ્વિક બજાર કોમેક્સ (COMEX) પર સોનાનો ભાવ.29 ટકા (11.20 ડોલર) ઘટીને 3875.10 ડોલર પ્રતિ ઔંસ અને ગોલ્ડ સ્પોટ 3873.41 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. બીજી તરફ, કોમેક્સ પર ચાંદીનો ભાવ 3.29 ટકા (1.62 ડોલર) તૂટીને 47.51 ડોલર પ્રતિ ઔંસ અને સિલ્વર સ્પોટ 47.52 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે.
વિશેષ અને વધારાની માહિતી
ભાવ ઘટવા પાછળના મુખ્ય કારણો: આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકન ડોલરની મજબૂતી, વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષાઓમાં ફેરફાર અને મોટા રોકાણકારો દ્વારા ઊંચા સ્તરેથી કરવામાં આવી રહેલા પ્રોફિટ બુકિંગને કારણે સોના-ચાંદીમાં મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે.
ખરીદદારો માટે ટિપ: જો તમે જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો તો હંમેશા BIS હોલમાર્ક અને 6 અંકનો HUID નંબર તપાસીને જ ખરીદી કરવી તેમજ અલગ-અલગ જ્વેલર્સ પાસે મેકિંગ ચાર્જની સરખામણી અવશ્ય કરવી.








