RBI cheque book rules 2027: તાજેતરમાં વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, 1 જાન્યુઆરી 2027થી સમગ્ર ભારતમાં અપડેટેડ સિક્યોરિટી ફીચર્સ ધરાવતી નવી 'ચેક ટ્રંકેશન સિસ્ટમ' ચેકબુક લાવવામાં આવશે. મેસેજમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે 31 ડિસેમ્બર 2026 પછી લોકો પાસે રહેલી હાલની તમામ જૂની ચેકબુક રદ્દ થઈ જશે અને તેને બેન્કમાં જઈને બદલવી પડશે. આ મેસેજના કારણે લાખો બેન્ક ખાતાધારકોમાં ગભરાહટ અને અસમંજસનો માહોલ ઊભો થયો હતો.
RBIએ અફવાઓને ફગાવી: 'આ માહિતી સંપૂર્ણપણે ખોટી છે'
આ મામલો ધ્યાનમાં આવતા જ ભારતીય રિઝર્વ બેન્કે તાત્કાલિક ધોરણે સ્પષ્ટતા કરી છે. RBIએ આ વાયરલ દાવાઓને તથ્યાત્મક રીતે ખોટા, પાયાવિહોણા અને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે. કેન્દ્રીય બેન્કે સ્પષ્ટ કર્યું છે કે, હાલમાં ગ્રાહકો જે CTS ચેકબુકનો ઉપયોગ કરી રહ્યા છે તેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી. જૂની ચેકબુક પણ રાબેતા મુજબ ચાલતી રહેશે. બેન્કે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભવિષ્યમાં ચેકબુકના સિક્યોરિટી ફીચર્સ બદલવાની હાલ કોઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
'X' પર RBIનું સત્તાવાર નિવેદન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સત્તાવાર સ્ટેટમેન્ટ જારી કરતા RBIએ લખ્યું છે કે, "ભારતીય રિઝર્વ બેન્કના ધ્યાનમાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરી રહ્યો છે, જેમાં દાવો કરાયો છે કે 31 ડિસેમ્બર 2026 પછી હાલની સ્ટાન્ડર્ડ CTS ચેકબુક બદલાઈ જશે. આ સ્પષ્ટ કરવામાં આવે છે કે RBI અત્યારે CTS ચેકબુકના સંબંધમાં આવું કોઈ જ પગલું ભરી રહી નથી. આ મેસેજ તથ્યોથી વિપરીત અને ગેરમાર્ગે દોરનારો છે."
અફવાઓથી બચવા અને સાચી માહિતી માટે શું કરવું?
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશના તમામ નાગરિકોને અપીલ કરી છે કે બેન્કિંગ નિયમો, ચેકબુક, ચલણી નોટો કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને લગતી કોઈપણ માહિતી માટે માત્ર RBIની સત્તાવાર વેબસાઈટ (www.rbi.org.in) અથવા તેમની પ્રેસ રિલીઝ પર જ ભરોસો કરવો. અજાણ્યા વોટ્સએપ ફોરવર્ડ્સ પર વિશ્વાસ ન કરવો. નોંધનીય છે કે ભારતમાં 'ચેક ટ્રંકેશન સિસ્ટમ' (CTS - 2010) ઘણા વર્ષો પહેલા જ લાગુ કરી દેવામાં આવી છે. આ સિસ્ટમ મુજબ ફિઝિકલ ચેક (કાગળનો ચેક) એક બેન્કથી બીજી બેન્ક (ક્લિયરિંગ હાઉસ) માં મોકલવાને બદલે તેની ઈલેક્ટ્રોનિક ઈમેજ (સ્કેન કોપી) મોકલવામાં આવે છે, જેથી ચેક ક્લિયર થવામાં સમય ઓછો લાગે છે અને છેતરપિંડીની શક્યતા ઘટી જાય છે. હાલની તમામ બેન્કોની ચેકબુક CTS સ્ટાન્ડર્ડ મુજબ જ છે અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે.








