સામે આવ્યા તસ્વીરો, છેલ્લાં 10 દિવસથી 41 જિંદગી બચાવવા ટનલમાં ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન
- 21 Nov, 2023
ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરો માટે 6 ઈંચની પાઈપલાઈન નવી લાઈફલાઈન બની ગઈ છે. પહેલીવાર આ પાઇપ દ્વારા કામદારોને ગરમ ખોરાક મોકલવામાં આવ્યો હતો અને હવે તેની તસવીરો પણ સામે આવી છે. રાહતની વાત એ છે કે સુરંગમાં કાટમાળના ઢગલા પાછળ કામદારો સ્વસ્થ દેખાઈ રહ્યા છે. આ તમામ સુરંગમાં કાટમાળ પડવાને કારણે 10 દિવસથી ફસાયેલા છે.
12 નવેમ્બરે ભૂસ્ખલન થયા બાદ સિલ્ક્યારા ટનલનો કેટલોક ભાગ તૂટી પડતાં 41 બાંધકામ કામદારો ફસાયા હતા. અત્યાર સુધી રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 4 ઈંચની કોમ્પ્રેસર પાઈપલાઈન દ્વારા કામદારોને હલકી ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવતી હતી. સોમવારે, બચાવ ટીમે ટનલના અવરોધિત ભાગને ડ્રિલ કરવામાં અને કાટમાળમાં 53 મીટર લાંબી છ ઇંચની પાઇપલાઇન નાખવામાં સફળ રહ્યા હતા. જેના દ્વારા કામદારોને મોટા પ્રમાણમાં ખાદ્યપદાર્થો, સંદેશાવ્યવહારના સાધનો અને અન્ય આવશ્યક વસ્તુઓની સપ્લાય કરી શકાય છે.
ઉત્તરાખંડ હાઈકોર્ટે સોમવારે રાજ્ય સરકાર અને કેન્દ્રીય એજન્સીઓને ચાલુ બચાવ કામગીરી અને ટનલમાં લેવાયેલા પગલાં અંગે 48 કલાકની અંદર જવાબ આપવા જણાવ્યું હતું. હાઈકોર્ટનો આ નિર્દેશ દેહરાદૂન સ્થિત એનજીઓ સમાધાન દ્વારા આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર આવ્યો છે. હાઈકોર્ટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ, કેન્દ્ર સરકાર અને નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને પણ નોટિસ પાઠવી છે.