ભારતીયો માટે ખુશખબર... હવે વિઝા વગર કરી શકશે શ્રીલંકાનો પ્રવાસ

- 24 Oct, 2023
શ્રીલંકાની કેબિનેટે દેવાથી ડૂબેલા ટાપુ રાષ્ટ્રમાં પ્રવાસન ક્ષેત્રના પુનઃનિર્માણના પ્રયાસો વચ્ચે ભારત અને અન્ય છ દેશોના પ્રવાસીઓને મફત પ્રવાસી વિઝા આપવાની નીતિને મંજૂરી આપી છે. વિદેશ મંત્રી અલી સાબરીએ મંગળવારે આ વાત કરી હતી.
વિદેશ મંત્રી સાબરીએ એક નિવેદનમાં કહ્યું કે આ 31 માર્ચ, 2024 સુધી પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવશે. કેબિનેટે ભારત, ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડના પ્રવાસીઓ માટે તાત્કાલિક અસરથી મફત પ્રવેશને મંજૂરી આપી છે. આ દેશોના પ્રવાસીઓ શ્રીલંકા જવા માટે કોઈપણ ફી વિના વિઝા મેળવી શકશે.
2019 માં ઇસ્ટરના દિવસે બોમ્બ વિસ્ફોટો પછી, શ્રીલંકામાં પ્રવાસીઓનું આગમન ઘટ્યું હતું. વિસ્ફોટોમાં 11 ભારતીયો સહિત 270 લોકો માર્યા ગયા હતા અને 500 થી વધુ ઘાયલ થયા હતા. મંત્રીએ કહ્યું કે તરત જ શરૂ થયેલ પાયલોટ પ્રોજેક્ટને 31 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવશે.
માર્ચની શરૂઆતમાં, શ્રીલંકાના વિદેશ પ્રધાન અલી સાબરીએ કહ્યું હતું કે ભારત સાથેના તેમના દેશના સંબંધો 'અમારી વિદેશ નીતિમાં સૌથી મહત્વપૂર્ણ છે'.