રેલવે બોર્ડે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો બોર્ડે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો કર્યો વધારો
- 24 Oct, 2023
કેન્દ્ર સરકારે છ દિવસ પહેલા જ કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો ત્યારે હવે આજે દશેરાના પર્વે જ રેલવે બોર્ડે પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.
રેલવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ મૂળ પગારના 46 સુધી વધી જશે
આ જાહેરાત સાથે જ રેલવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ મૂળ પગારના 46 ટકા સુધી વધી જશે. પહેલા કર્મચારીઓને મૂળ પગારના 42 ટકા જ ડીએ મળતું હતું. આ વધારો 1 જુલાઈ 2023થી જ અમલમાં આવશે અને કર્મચારીઓને બાકીના પગારમાં વધારાનો ડીએ મળશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાતના છ દિવસ બાદ રેલવે બોર્ડે આ જાહેરાત કરી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને બોનસ આપવાની પણ જાહેરાત કરી હતી.
રેલવે કર્મચારીઓએ આ નિર્ણયને આવકાર્યો
રેલવે કર્મચારી યુનિયનોઓને દશેરાના પર્વે અને દિવાળીના તહેવાર પહેલા કરેલી આ જાહેરાતને આવકારી છે. ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ કહ્યું કે ડીએ કર્મચારીઓનો અધિકાર છે, તે જુલાઈથી મળવાનો હતો. જો કે દિવાળી પહેલા તેની ચૂકવણીની જાહેરાત કરવાના નિર્ણયને અમે આવકારીએ છીએ.
ભારતીય રેલવે અને ઉત્પાદન એકમોના જનરલ મેનેજર અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરોને મોકલવામાં આવેલ એક સંદેશામાં કહેવામાં આવ્યું છે કે રેલવે બોર્ડના અધ્યક્ષ આ નિર્ણય લેતા ખુશ છે કે રેલ્વે કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 46 ટકા કરવામાં આવ્યો છે.