બાંગ્લાદેશમાં ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર... ઘટનામાં 15થી વધુ પ્રવાસીઓના થયા મોત

- 23 Oct, 2023
બાંગ્લાદેશના કિશોરગંજમાં આજે પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 15 મુસાફરોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.રાજધાની ઢાકાથી લગભગ 80 કિમી દૂર ભૈરબ વિસ્તારમાં આ અકસ્માત થયો છે.
સ્થાનિક મીડિયાએ ઘટના સ્થળે હાજર લોકોને ટાંકીને જણાવ્યું હતું કે અકસ્માત ખૂબ ભયાનક હતો, ટ્રેનો અથડાવાનો જોરદાર અવાજ સંભળાયો હતો. હજુ પણ કેટલાક લોકો ટ્રેનની નીચે ફસાયેલા છે. આ લોકો ક્ષતિગ્રસ્ત કોચની નીચે દટાયેલા છે. જો કે ફાયર સર્વિસના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
માલગાડીએ પાછળથી અગરો સિંધુર ટ્રેનને ટક્કર મારી
ઢાકા રેલ્વેના પોલીસ અધિક્ષક અનવર હુસૈને જણાવ્યું હતું કે, પ્રારંભિક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે માલગાડીએ પાછળથી અગરો સિંધુર ટ્રેનને ટક્કર મારી હતી." ભૈરબના એક સરકારી અધિકારી સાદિકુર રહેમાને એએફપીને જણાવ્યું હતું કે, "અમે 15 મૃતદેહો બહાર કાઢ્યા છે અને ઘણા ઘાયલ થયા છે." મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં.
આ અકસ્માતમાં કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. સ્થળ પરના લોકો ક્ષતિગ્રસ્ત બોગીઓ નીચે ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં પણ મદદ કરી રહ્યા છે. ટ્રેન અકસ્માતની તસવીર જોઈને દુર્ઘટનાની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે. ટ્રેનનો એક ડબ્બો સંપૂર્ણ રીતે પલટી ગયેલો જોવા મળી રહ્યો છે.