મુંબઈમાં બહુમાળી બિલ્ડીંગમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ પહોંચી, ઉત્તર મુંબઈમાં કાંદિવલી વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડિંગમાં આજે બપોરે ભીષણ આગ લાગી

- 23 Oct, 2023
મુંબઈમાં એક બહુમાળી બિલ્ડીંગમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉત્તર મુંબઈમાં કાંદિવલી વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઈમારતમાં આજે બપોરે ભીષણ આગ લાગી છે. સૂચનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક પોલીસ અને બીએમસીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે
મળતા અહેવાલો મુજબ કાંદિવલી પશ્ચિમમાં મહાવીર નગર વિસ્તારમાં 8 માળની બિલ્ડિંગમાં આગ લાગી છે. બિલ્ડિંગનું નામ પાવન ધામ વીણા સંતૂર ભવન હોવાનું સામે આવ્યું છે ઉપરાંત બિલ્ડિંગના બીજા માળે આવેલી દુકાનોમાં આગ ફેલાઈ છે. હાલ આખી બિલ્ડિંગમાં ખાલી કરાવવાનું તેમજ રેસ્ક્યુ ઓપરેશન પુરજોશમાં ચાલી રહ્યું છે. હાલ ઘટનામાં કોઈપણ જાનહાની થયાના અહેવાલો સાંપડ્યા નથી. ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે, આગ લેવલ-2ની છે. આગ લાગવાની સૂચના મળતા જ ફાયર એન્જીન, પાણીના ટેન્કર સહિત ફાયર બ્રિગેડના 8 વાહનો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ આગ ઈલેક્ટ્રીક વાયરમાં લાગ્યા બાદ ઘણી દુકાનોમાં ફેલાઈ છે. જોકે હાલ આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.