શૂન્ય ડિગ્રીથી નીચા તાપમાને ઉપવાસ કરનારા પર્યાવરણ કાર્યકરે ૨૧ દિવસે પારણાં કર્યા: લદ્દાખમાં ચીને 4,000 કિ.મી. જમીન પચાવી પાડી : વાંગચૂકનો દાવો
- 01 Apr, 2024
ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ કેટલાય વર્ષો થી ચાલી રહ્યો છે,લદ્દાખના રહેવાસી મુજબ ચીને આપની જમીન છેલ્લા એક દાયકાથી પણ વધુ સમય પહેલા પચાવી પાડી છે, અને આ મુદ્દે કાયમ ઘર્ષણ થતું આવ્યું છે, જેને લઈને હાલ માં પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચૂકે પૂર્ણ રાજ્યના દરજ્જા, ૬ઠ્ઠી અનુસૂચિમાં લદ્દાખના સમાવેશ સહિત કેટલીક માગણીઓ સાથે ૨૧ દિવસ સુધી ભૂખ હડતાળ કર્યા પછી ગાંધી ચિંધ્યા 'સત્યાગ્રહ'ના માર્ગે આંદોલન ચાલુ રાખવાની હાકલ કરી છે. આ સાથે તેમણે દાવો કર્યો હતો કે, તેઓ આ મહિને લદ્દાખના લગભગ ૧૦,૦૦૦ લોકો સાથે ચીનની સરહદ સુધી મોરચો કાઢશે, જેથી દુનિયાને એ બતાવી શકાય કે ચીને ભારતની ૪,૦૦૦થી વધુ કિ.મી. જમીન પચાવી પાડી છે. વાંગચૂકના આ દાવાથી ખળભળાટ મચી ગયો છે.
લદ્દાખ માટે કેટલીક માગણીઓ સાથે શૂન્ય ડિગ્રીથી નીચા તાપમાને આમરણ ઉપવાસ કરનારા પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચૂકે ૨૧ દિવસ પછી પારણાં કર્યા હતા. જોકે, તેમણે પોતાની માગણીઓ માટેનું આંદોલન 'સત્યાગ્રહ'ના માર્ગે ચાલુ રાખવાનો દાવો કર્યો હતો. આ સાથે તેમણે દાવો કર્યો હતો કે છેલ્લા એક દાયકામાં ચીને ભારતની ૪,૦૦૦થી વધુ કિ.મી.ની જમીન પચાવી પાડી છે. લદ્દાખના ભરવાડોને પહેલા તેઓ જ્યાં ઢોર ચરાવવા જતા હતા ત્યાં જવા દેવાતા નથી. હવે તેમને અનેક કિ.મી. પહેલા જ અટકાવી દેવાય છે. કારણ કે આ વિસ્તારમાં ભારતની ભૂમી ચીને પચાવી પાડી છે પરંતુ તેની દેશ અને દુનિયાને જાણ થવા દેવાતી નથી.
વાંગચૂકે કહ્યું કે, અમે ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેંગોંગ ત્સો સરોવરના ઉત્તરી અને દક્ષિણી કિનારે ફિંગર એરિયા, ડેમચોક, ચુશુલ સહિત અન્ય વિસ્તારોમાં ૧૦,૦૦૦ લોકો સાથે માર્ચ કાઢીશું. આ રેલી ૨૭ માર્ચ અથવા ૭ એપ્રિલે યોજવામાં આવશે. તેમણે ઉમેર્યું કે,અમે આ માર્ચ દરમિયાન એવા પ્રદેશો, ઢોરોને ચરાવવા માટેની મુખ્ય જમીનો પણ બતાવીશું જેને સૌર પાર્કમાં બદલવામાં આવી રહી છે. લોકો કોર્પોરેટ્સના હાથે પોતાની જમીન ગુમાવી રહ્યા છે. વાંગચૂકે કહ્યું કે, અહીંના લોકો અંદાજે ૧.૫૦ લાખ વર્ગ કિ.મી. જમીન ગુમાવી ચૂક્યા છે, જ્યાં પહેલાં ઢોર ચરાવવામાં આવતા હતા.
ઉત્તરમાંથી ચીન અતિક્રમણ કરી રહ્યું છે. ચીની સૈન્યે છેલ્લા કેટલાક વર્ષોમાં ૪,૦૦૦ કિ.મી. જેટલા વિસ્તાર પર કબજો કરી લીધો છે. કેટલાક લોકોએ જણાવ્યું કે સરહદ વિવાદના કારણે પૂર્વીય લદ્દાખના કુલ ૬૫ પેટ્રોલિંગ પોઈન્ટમાંથી ઓછામાં ઓછા ૨૬ પોઈન્ટ પર પેટ્રોલિંગ કરવામાં નથી આવી રહ્યું. નોંધનીય છે કે ગલવાનમાં ૧૫ જૂન ૨૦૨૦ના રોજ ચીનના સૈન્ય સાથે હિંસક અથડામણમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા પછી સરહદ પર જવાનોને પાછા હટાવવા અને બફર ઝોન અથવા નો-ગો એરિયા બનાવવા માટે બંને દેશના સૈન્ય વચ્ચે કેટલાક તબક્કાની વાટાઘાટો થઈ છે, પરંતુ તેનું કોઈ પરિણામ આવી શક્યું નથી.
ભાજપ પર વચન ભંગ કરવાનો આરોપ મૂકતા તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે લદ્દાખના લોકોને વચન આપ્યું હતું કે આ વિસ્તારનો છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરાશે, પરંતુ હવે સરકારે આ વચન પાળવાનો ઈન્કાર કરી દીધો છે. આ વિશ્વાસ તોડવા સમાન છે. કેન્દ્ર સરકારના આ પ્રકારના વર્તનથી સ્થાનિક લોકો ખૂબ જ નિરાશ, હતાશ અને ક્રોધિત છે. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને અહીં એક પણ બેઠક નહીં મળે. અમે માત્ર લદ્દાખને નહીં, પરંતુ આખા દેશને જગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
સરકાર આ રીતે ચૂંટણી વચનોનું સન્માન નહીં કરે અને તે મજાક બનીને રહી જશે તો અમે આ પક્ષને ફરીથી સત્તા પર લાવવા માટે શા માટે વોટ આપીએ તેવો પણ તેમણે સવાલ કર્યો હતો. સોનમ વાંગચુકે ઉમેર્યું હતું કે જો લદ્દાખના લોકોની માંગણીઓ પૂરી ન થાય તો તેઓ ફરી એકવાર ભૂખ હડતાળ પર જવા માટે તૈયાર છે કારણ કે "અમે અમારા ભવિષ્ય અને બાળકો માટે લડી રહ્યા છીએ".
છઠ્ઠી અનુસૂચિમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના આદિવાસી વિસ્તારોના સ્વાયત્ત જિલ્લા પરિષદો દ્વારા વહીવટ સંબંધિત જોગવાઈઓ છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ