અરબી સમુદ્રમાં હલચલ: વેરાવળથી 998 કી.મી.ના અંતરે લો-પ્રેસર: તેજ વાવાઝોડાનો ખતરો

- 19 Oct, 2023
માતાજીની આરાધનાનાં પર્વ નવરાત્રીમાં કોઈ વરસાદી વિક્ષેપ ન સર્જાતા રાહત છે પરંતુ હવે અરબી સમુદ્રમાં વાવાઝોડાની સીસ્ટમ આકાર લઈ રહી છે જોકે, ગુજરાતને અસર થવાની શકયતા ન હોવાનું પ્રાથમીક રીતે માલુમ પડી રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં વેરાવળથી 998 કી.મી. દુર અરબી સમુદ્રમાં લો-પ્રેસર સક્રિય થઈ છે જે વધુ મજબુત થઈને ડીપ ડીપ્રેશનમાં ફેરવાવા સાથે વાવાઝોડામાં પરિવર્તીત થઈ શકે છે. વાવાઝોડુ આકાર પામે તો તેને તેજ નામ અપાશે.
હવામાન નિષ્ણાંતોએ કહ્યું કે 21 મીએ સીસ્ટમ મજબુત થયા બાદ તેની દશા અને દિશાનો ચોકકસ અંદાજ આવી શકશે અત્યારે વાવાઝોડાથી ગુજરાતને અસર થવાની શકયતા જણાતી નથી.
અરબી સમુદ્રમાં અત્યાર સુધી જે રીતે સાયકલોનીક સરકયુલેશન સર્જાયુ છે તે સોમાલીયા, એડનની ખાડી, યમન તથા ઓમાન તરફ જ ફંટાયુ છે જોકે કયારેક દિશા બદલાઈ છે ભારત-પાકિસ્તાનના કાંઠા તરફ પણ ફંટાયા છે. અત્યારે પ્રાથમીક તબકકે ગુજરાતને અસર કરશે કે કેમ તે સ્પષ્ટ નથી.
ગુજરાત હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીએ કહ્યું કે અરબી સમુદ્રમાં હાલ લો-પ્રેસર સક્રિય છે. 21 મી આસપાસ ડીપ્રેશન બનશે.માછીમારોને અરબી સમુદ્રમાં જ જવાની સુચના આપવામાં આવી છે.