ઇઝરાઇલ કહે છે- લ્યો આ રહ્યાં પુરાવા, ગાઝાની હોસ્પીટલ પર પડ્યો હતો હમાસનો રોકેટ

- 19 Oct, 2023
ગાઝા પટ્ટીમાં અલ-અહલી અરબ હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટને લઈને આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોનો દોર ચાલુ છે. જ્યાં પેલેસ્ટાઈન અને હમાસનો આરોપ છે કે, ઈઝરાયેલે હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો છે. આ હુમલામાં 500થી વધુ લોકોના મોત થયા હતા. આ તરફ હવે ઈઝરાયેલે દાવો કર્યો છે કે, પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ દ્વારા છોડવામાં આવેલ રોકેટ ખોટી રીતે ફાયર થઈને હોસ્પિટલ પર પડ્યું હતું. આટલું જ નહીં ઈઝરાયલે પોતાના દાવાની પુષ્ટિ કરતા ઘણા પુરાવા પણ રજૂ કર્યા છે.
મહત્વનું છે કે, ઈઝરાયેલે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે જે પુરાવા રજૂ કર્યા છે તે હમાસના લડવૈયાઓનો ઓડિયો છે. ઈઝરાયેલનો દાવો છે કે, આ ઓડિયો હોસ્પિટલ પર હુમલા બાદનો છે. દાવો કરવામાં આવ્યો છે કે, આમાં હમાસના બે લડવૈયાઓ વાત કરી રહ્યા છે કે પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદનું એક રોકેટ મિસ ફાયર થઈને હોસ્પિટલ પર પડ્યું હતું. હમાસના લડવૈયાઓ વચ્ચે એવું કહેતા સાંભળવા મળે છે કે, આ ઈઝરાયેલનું રોકેટ નથી, અમારું છે.ઈઝરાયેલની એરફોર્સે એક ફૂટેજ પણ બહાર પાડ્યું છે. જેમાં હોસ્પિટલ પર હુમલા પહેલા અને પછીની તસવીર છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, રોકેટ મિસફાયર થયું અને હોસ્પિટલના પાર્કિંગમાં પડ્યું હતું. જેમાં ઈઝરાયેલે દાવો કર્યો છે કે, આ રોકેટ ઈસ્લામિક જેહાદ આતંકી સંગઠન દ્વારા છોડવામાં આવ્યું છે.ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં હમાસના અડ્ડાઓનો વીડિયો જાહેર કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, હમાસના અડ્ડા ગાઝા પટ્ટીમાં ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં છે. અહીંથી તેઓ ઈઝરાયેલ પર હુમલો કરવા માટે રોકેટ છોડે છે. ઈઝરાયેલનો દાવો છે કે, તેનું સૌથી મોટું નુકસાન હમાસ દ્વારા છોડવામાં આવેલા ઘણા રોકેટ તેના વિસ્તારમાં પડી રહ્યા છે. એટલું જ નહીં ઇઝરાયલે દાવો કર્યો છે કે, હમાસ આવું એટલા માટે કરી રહ્યું છે કારણ કે તે ઇચ્છે છે કે જ્યારે ઇઝરાયેલ તેની સ્થિતિ સામે જવાબી કાર્યવાહી કરે તો ગાઝામાંથી બને તેટલા લોકો માર્યા જાય.