ગુજરાત શિક્ષણ વિભાગમાંથી આવ્યા મોટા સમાચાર, બોર્ડના ચેરમેન એ.જે. શાહે આપ્યું રાજીનામું

- 18 Oct, 2023
ગુજરાત શિક્ષણ વિભાગમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે ફરજ બજાવતા નિવૃત આઈએએસ અધિકારી એ.જે. શાહે અચાનક જ રાજીનામું આપી દીધુ છે. શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે સતત પાંચ વખત એક્સટેન્શન મળ્યા બાદ તેમણે ટર્મ પૂર્ણ થાય તે પહેલા જ રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક શરુ થયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે રાજીનામું આપતા તેના રાજીનામું સ્વીકારવાની પ્રક્રિયા હાલ થઈ રહી હોવાથી રાજીનામાની અરજી પેન્ડિંગમાં છે. ઉલ્લેખનીય છે કે સરકારે ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં મહત્વના ફેરફાર કર્યા છે અને બોર્ડમાં નવી પરીક્ષા પદ્ધતિ લાગુ કરી છે ત્યારે જ બોર્ડના ચેરમેને રાજીનામું આપી દીધુ છે. આઈએએસ અધિકારી એ.જે શાહિ બોર્ડના ચેરમેન તરીકે ઘણા વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે. તેમને નિવૃતિ બાદ પણ એક્સેટેન્શન આપવામાં આવ્યુ હતું અને હાલ તેનું પાંચમુ એક્સેટેન્શન પૂર્ણ થવાનુ હતું પરંતુ તે પહેલા જ તેમણે રાજીનામું આપી દીધુ છે. આ રાજીનામાનું તેમણે પારિવારીક કારણ આપ્યું હતું.