સુરતથી અયોધ્યા જતી આસ્થા એક્સપ્રેસ પર પથ્થરમારો : ગોધરાકાંડની ઘટનાના બે દાયકા પછી રામ ભક્તો પર હુમલાની ઘટનાથી ખળભળાટ...
- 12 Feb, 2024
અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરના દર્શન કરવા માટે દેશ-વિદેશથી અસંખ્ય ભક્તો રોજ આવી ભગવાન રામના દર્શનો લાભ લઈને ધન્યતાનો અનુભવી રહ્યા છે.એવામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં ગુજરાતના સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેનને અરાજકતાવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી . રવિવારે આ ટ્રેન પર ભારે પથ્થરમારો થયો હતો.
આ ટ્રેન સુરતથી રાત્રે આઠ વાગ્યે અયોધ્યા માટે રવાના થઈ હતી. જેવી આ ટ્રેન નંદુરબાર પહોંચી કે રાત્રે લગભગ 11 વાગ્યાના અરસામાં અચાનક ટ્રેન પર પથ્થરમારો શરૂ થઈ ગયો.આ કારણે ટ્રેનમાં સવાર મુસાફરો ડરી ગયા હતા અને ઉતાવળમાં ટ્રેનની બારી અને દરવાજા બંધ કરવા લાગ્યા હતા. આમ છતાં ડઝનબંધ પથ્થરો ટ્રેનની અંદર પહોંચી ગયા.
સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ગોધરાકાંડની ઘટના બાદ બે દાયકા પછી રામ ભક્તો પાર હુમલાની આ પ્રકારની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે.નંદુરબાર રેલવે પોલીસના એપીઆઈ રમેશ વાવરેને મોડીરાત્રે આ બાબતે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં કોઈ મુસાફરને ઇજા થઈ ન હતી, પોલીસે પ્રારંભિક તપાસ કરીને મોડી રાત્રે ટ્રેનને નંદુરબાર રેલવે સ્ટેશનથી રવાના કરી દીધી હતી.
ટ્રેનમાં બેઠેલા એક યાત્રીએ ફોન પર જણાવ્યું કે, અમે ટ્રેનમાં બેઠા હતા અને અચાનક પથ્થરો ટ્રેન સાથે અથડાવવાનો જોરથી અવાજ આવવા લાગ્યો હતો. અંધારું હતું એટલે પથ્થર કોણ મારી રહ્યું હતું તે દેખાયું નથી. જે સમયે આ ઘટના બની ત્યારે સિગ્નલ ન હોવાના કારણે ટ્રેન ધીમી પડી હતી.
મુસાફરોએ ફરિયાદ કરતા નંદુરબાર રેલવે સ્ટેશન પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આવી ગયા હતા અને ઘટનાની ગંભીરતા પારખી તેમણે તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે, જે વિસ્તારમાં ઘટના બની છે ત્યાં આવી ટીખળખોરોની પથ્થરમારાની ઘટના છાશવારે બનતી હોય છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ