વર્લ્ડકપમાં આજે બે અપરાજિત ટીમો વચ્ચે યુદ્ધ... આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ ઇલેવન

- 22 Oct, 2023
વર્લ્ડ કપ 2023માં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો છે. આ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન હંમેશા ઝડપી બોલરો માટે મદદરૂપ સાબિત થયું છે. આજની મેચમાં પણ ફાસ્ટર્સનું વર્ચસ્વ રહેવાની અપેક્ષા છે.
રનચેઝ કરનારી ટીમ 4 વખત બની છે વિજેતા
ધર્મશાલામાં અત્યાર સુધીમાં કુલ 7 ODI મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, પ્રથમ દાવમાં માત્ર ત્રણ વખત 250+ સ્કોર બન્યો છે. અહીં ત્રણ વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમ 200નો આંકડો પણ સ્પર્શી શકી નથી.
આ સાત મેચોમાં ટોસ જીતનારી ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. અહીં પીછો કરતી ટીમ 4 વખત જીતી છે અને પ્રથમ બેટિંગ કરનારી ટીમ 3 વખત જીતી છે.
ભારત-ન્યુઝીલેન્ડ રેકોર્ડ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 116 ODI મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 58 મેચ જીતી છે. આ સાથે જ તેને 50 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ બંને ટીમો વચ્ચે છેલ્લી ODI મેચ જાન્યુઆરી 2023માં ઈન્દોરમાં રમાઈ હતી.
ભારતે 90 રનથી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીની એક મેચ 8 વિકેટે જીતી લીધી હતી. આ મેચ રાયપુરમાં રમાઈ હતી. હવે ફરી એકવાર બંને ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરશે.
હાર્દિકની જગ્યાએ આ ખેલાડી રમશે
ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત છે. તે આ મેચમાં ભારત માટે નહીં રમે. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ અથવા ઈશાન કિશનને તક મળી શકે છે. પંડ્યા પ્લેઈંગ ઈલેવનમાં નહીં રમવાના કારણે ભારત પાસે એક ઓલરાઉન્ડર ખેલાડીની કમી રહેશે. જોકે, ઈશાન કિશન સારો ખેલાડી છે અને ઘણા પ્રસંગોએ સારૂ પ્રદર્શન કરી શકે છે. સૂર્ય પર પણ વિશ્વાસ કરી શકાય છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ/ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.