ક્રિકેટ પ્રેમિઓ માટે આનંદો.. મેચના દિવસે વધુ 8 મેટ્રો ટ્રેન ફાળવાઈ

- 13 Oct, 2023
14મી ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની મેચનો જબરદસ્ત મુકાબલો થવાનો છે. ત્યારે આ લાઈવ મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો આવી રહ્યા છે. જેને લઈને મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખાસ મેટ્રો ટ્રેનની સેવા પૂરી પાડવામાં આવી છે. જેમાં બંન્ને કોરિડોરના તમામ ટર્મિનલ સ્ટેશનથી 2 વધારાની મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે.
અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ એમ બંને કોરિડોર પર સમગ્ર દિવસ દરમિયાન 12 મિનિટના અંતરે સવારે 7 કલાકથી રાત્રિના 10 કલાક સુધી હાલમાં મેટ્રો ટ્રેન સેવાઓ કાર્યરત છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ. ના સત્તાધિકારીઓ દ્વારા મેચના દિવસે નિયમિત સમય કરતા વહેલા તથા મોડી રાત સુધી મેટ્રો ટ્રેન ચલાવવામાં આવશે.
મોટેરાથી બે વધારાની ટ્રેન મૂકવામાં આવી છે. જે અંતર્ગત પૂર્વ-પશ્ચિમ કોરિડોર અને ઉત્તર-દક્ષિણ કોરિડોરના તમામ ટર્મિનલ સ્ટેશનથી એટલે કે વસ્ત્રાલ ગામ, થલતેજ, એપીએમસી અને મોટેરાથી બે વધારાની ટ્રેન મૂકવામાં આવી છે. એટલે કે કુલ 8 મેટ્રો ટ્રેન સવારે મૂકવામાં આવી છે. જેનાથી દર્શકોને સ્ટેડિયમ પહોંચવામાં સરળતા રહે.
શનિવારે મેચના દિવસે પ્રથમ ટ્રેન 6.20 કલાકે ઉપડશે. તથા બીજી ટ્રેન 6.40 કલાકે ઉપડશે. ત્યારબાદ સવારના 7 કલાકથી મેટ્રો સેવાઓ રાબેતા મુજબ 12 મિનિટના અંતરે કાર્યરત રહેશે. આ સાથે કોઈ પણ સ્ટેશનની મુસાફરીનો દર 50 રૂપિયા રાખવામાં આવ્યો છે.