છોટાઉદેપુરના જેમ દાહોદમાં પણ નકલી સરકારી કચેરીઓ ઝડપાઈ: દાહોદમાં નકલી સરકારી કચેરીઓ દ્વારા 18 કરોડ 59 લાખનું કૌભાંડ કરવામાં આવ્યું: આપ

- 20 Nov, 2023
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડાએ વીડિયોના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર વાત કરતાં જણાવ્યું કે, જે રીતે છોટાઉદેપુરમાંથી નકલી કચેરી અને નકલી અધિકારીઓ ઝડપાયા, ત્યારબાદ તપાસ શરૂ થઈ અને ખબર પડી કે દાહોદ જિલ્લામાં પણ લગભગ છ નકલી કચેરીઓ તૈયાર કરવામાં આવી હતી અને આ છ નકલી કચેરીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 18 કરોડ 59 લાખનું કૌભાંડ કરવામાં આવ્યું છે. આ નકલી કચેરીના નકલી અધિકારી એસ આર રાજપૂત છે. તેઓને પોલીસ ટ્રાન્સફર વોરંટથી દાહોદ લાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસ દ્વારા જાણવા મળ્યું કે છ કચેરી બનાવવામાં આવી હતી અને કેટલાક કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ મંજુર થયેલા કામો સ્થળ પર છે કે કેમ તે તમામ બાબતો પર તપાસ થવી જોઈએ.
હાલ પાંચ રાજ્યમાં ચૂંટણી ચાલી રહી છે અને ત્યાં ભાજપ ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાતો કરે છે. ગુજરાતમાં એમના 27 વર્ષના શાસન બાદ સરકારના નાક નીચે બોગસ કચેરીઓ ઊભી કરીને એક વ્યક્તિએ 18 કરોડનું કૌભાંડ કર્યું. છોટાઉદેપુરમાં પણ ચાર કરોડ કૌભાંડ સામે આવ્યું હતું. જો તપાસ કરવામાં આવે તો તમામ આદિવાસી વિસ્તારમાં બોગસ કચેરીઓ અને કૌભાંડો બહાર આવે એમ છે.
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક દાવો કર્યો હતો કે જો તપાસ કરવામાં આવે તો 600 કરોડથી વધુના કૌભાંડો બહાર આવે તેમ છે. માટે ગુજરાતની સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ન્યાયિક તપાસ કરવામાં આવે. આ તપાસ હાઇકોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં કરવામાં આવે. દાહોદની જનતાએ વિધાનસભા ચૂંટણીમાં કુલ 3,14,000 મત આમ આદમી પાર્ટીને આપ્યા છે, માટે દાહોદ જિલ્લાની અંદર મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીની જવાબદારી છે કે દાહોદ જિલ્લાના નવ તાલુકાના તાલુકા મથકો પર પરમિશન લઈને ગાંધીજીએ માર્ગે વિરોધ પ્રદર્શન કરીશું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ