ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા 5 દિવસ ભારે વરસાદની આગાહી સમગ્ર ગુજરાતમાં જાણો કયા જિલ્લાઓને અપાયું રેડ અને ઓરેન્જ એલર્ટ
- 24 Aug, 2024
ગુજરાતમાં હવે ચોમાસુ બરાબર જામી ગયુ છે. ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી મેઘરાજાએ ફરીથી તોફાની બેટિંગ શરુ કરી દીધી છે. વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં તો મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યુ છે. માત્ર 4 કલાકમાં જ 8 ઇંચ જેટલો વરસાદ મહેસાણામાં વરસી ગયો છે. ઠેર ઠેર નદીઓ વહેતી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. જેના પગલે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે. વિજાપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે્. માત્ર 4 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ટીબી રોડ, ખત્રી કુવા, ચક્કર વિસ્તાર પાણી-પાણી થયા છે. તો વિજાપુર મામલતદાર સહિત પાલિકાની ટીમ કામે લાગી છે. ભારે વરસાદને પગલે હાઈવે પાણી-પાણી થઇ ગયો છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીમાં બસ અડધી ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
હવામાંન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના છે. ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસી શકે છે.ઉત્તર ગુજરાતની સાથે દક્ષિણના મોટાભાગના શહેરોમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત અને અમરેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો આ તરફ અમદાવાદ સહિત 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. તાપી નદીની જળ સપાટી વધતા બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ચોમાસામાં બીજી વખત હરિપુરા કોઝવે જળમગ્ન થયો છે. હરિપુરાથી ગોદાવાડી ગામને જોડતો કોઝવે ડૂબતા વાહન ચાલકોને હાલાકી થઇ રહી છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા 10 થી વધુ ગામ થયા સંપર્ક વિહોણા થયા છે. ગોદાવાડી, ખંજરોલી, પીપર્યા, કોસાડી ગામનો સંપર્ક કપાયો છે. હરિપુરા આવવા માટે લોકો 20 કિ.મી.નો ચકરાવો ખાવા મજબૂર બન્યા છે
જ્યારે વડોદરા જિલ્લામાં ડભોઈ શહેર, તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના લીધે રસ્તાઓ પર ફરી વળ્યા પાણી છે. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે. એસટી ડેપો, સ્ટેશન રોડ, સિનોર ચોકડી વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. ડભોઈ તાલુકાના સમશેરપુરા, વઢવાણા, ચનાવાડામાં ભારે વરસાદ વરસ્યો છે. ધરમપુરી, શંકરપુરા, અકોટી, વડજ, નાગડોલમાં વરસાદ છે. લાંબા સમયના વિરામ બાદ ડભોઈમાં ધોધમાર વરસાદનો માહોલ છે. આમ સમગ્ર ગુજરાત પાણીમય બની ગયેલું જૉવા મળી રહ્યું છે.