શહેરમાં આજે વરસાદની ફરી એન્ટ્રી,સવારથીજ વાદળછાયું વાતાવરણ : રાજ્ય માટે આગામી 5 દિવસ ભારે , એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા કરવામાં આવી આગાહી
- 29 Jul, 2024
આજે સવારથી જ અમદાવાદમાં સુર્ય દેવ જાણે રિસાઈ ગયા હોય તેમ વાતાવરણમાં જણાઈ રહ્યું હતું. વહેલી સવારનો સૂર્યપ્રકાશ લેનારા સ્વાસ્થ્ય પ્રેમીઓને આજે તેનો લાભ મળ્યો ન હતો. આજે સવારથી જ શહેરમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. તેથી શાળાએ જતા બાળકો નોકરિયાત વર્ગ સહુ કોઇને ગરમીથી થોડી રાહત તો થઈ હતી પણ સાથે વરસાદમાં શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડી હતી, નોકરિયાત વર્ગ માટે પણ થોડા વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાઈ જવાની સમસ્યાની સાથે ટ્રાફિક જામનો પણ સામનો કરવો પડ્યો હતો.
અરબી સમુદ્રમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા રાજયમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદમાં આજે સવારથી વરસાદી માહોલમાં શહેરના બોપલ, એસ.જી હાઈવે, થલતેજ, જુહાપુરા, સરખેજ, પાલડી, ગોતા, વેજલપુર, ઈસનપુર, મણિનગર, વટવા, શેલા, ઘુમા, બોડકદેવ, સિંધુભવન, પ્રહલાદ નગર, જોધપુર, વાસણા, બાપુનગર, નરોડા અને શાહીબાગ સહિતના મોટાભાગના તમામ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
આમ તો રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે,જેમાં સુરત ,વડોદરા ,નવસારી,આણંદ સાહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદથી તારાજી પણ સર્જાઇ હતી . હવે આજે રાજ્યના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઓછો વરસાદ પડ્યોહોવાથી આજે અમદાવાદવાસીઓ માટે વરસાદ સારા સમાચાર લઈ આવ્યો છે ઉપરાંત આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડી સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરની વાત કરી એ તો અત્યારસુધીમાં 12.40 ઈંચ સાથે સરેરાશ 38.60 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં નોંધાયેલો આ સૌથી ઓછો વરસાદ છે.
ગત વર્ષે જુલાઇ માસમાં 23.77 ઈંચ સાથે સરેરાશ 74.54 ટકા વરસાદ વરસ્યો હતો જ્યારે તેના પહેલા વર્ષ 2022માં 26.73 ઈંચ સાથે 85.33 ટકા વરસાદ વરસ્યો હતો. જેની સરખામણીએ ચાલુ વર્ષે ખૂબજ ઓછો વરસાદ હજી સુધી નોંધ્યો છે.તેથી હવે અમદાવાદીઓનો વારો આવ્યો છે. હવામાંન વિભાગ દ્વારા શહેર માટે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.