અશાંત ધારાની કડક શરતો સરકાર પાછી ખેંચશે, હાઈકોર્ટમાં અપાઈ ખાતરી
- 27 Oct, 2023
રાજયમાં અશાંત ધારાના સુધારા અંગે સરકારના જાહેરનામા સામે 13 જુદી જુદી રીટ દાખલ થઇ છે. જેમાં સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ કરી સુધારાની કડક શરતો પાછી ખેંચવાની તૈયારીમાં હોવાની કબુલાત કરી છે. અશાંત વિસ્તારનો વ્યાપ આપોઆપ વધારવાના સુધારા, 500 મીટર સુધી વધારાનો સુધારો પરત ખેંચવા પર વિચાર ચાલે છે. કલેકટરોને અગાઉ અપાયેલી સત્તા સીમીત થઇ શકે છે. તો ધર્મ કે જાતિના આધારે ધારો લાગુ કરવા પર પુન: વિચાર થઇ શકે છે. રાજયમાં અશાંત ધારાની વિવાદીત જોગવાઇઓ અને સુધારાની કાયદેસરતાને પડકારતી રીટ અરજીમાં રાજય સરકાર દ્વારા સોગંદનામુ રજૂ કરી પોતાનું વલણ સ્પષ્ટ કરાયું હતું કે,
સરકાર પિટિશનમાં પડકારવામાં આવેલી જોગવાઇઓમાં નવા સુધારા લાવવા ઇચ્છે છે. સરકારનું સોગંદનામુ રેકર્ડ પર લીધા બાદ હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી ડિસેમ્બર માસમાં મુકરર કરી હતી. રાજય સરકાર દ્વારા ઓકટોબર-2020માં અશાંત ધારામાં કેટલાક સુધારા કરી વિવાદીત જોગવાઇઓ દાખલ કરવામાં આવતા તેની કાયદેસરતાને પડકારતી હાઇકોર્ટમાં રીટ અરજી કરાઇ હતી. જેમાં અશાંત ધારાના સુધારા કાયદેસરતાને પડકારાઇ હતી અને જણાવાયું હતું કે, સરકાર દ્વારા અશાંત ધારામાં કરાયેલા સુધારાઓ ભેદભાવભર્યા અને અયોગ્ય છે ખાસ કરીને ધાર્મિક લઘુમતીઓ માટે સરકારના આ પ્રકારના સુધારાઓના કારણે બંધારણની કલમ-14 અને 15નો ભંગ થાય છે.
એટલું જ નહી, દેશની હદમાં સ્વતંત્રતા સાથે રહેવા અંગેની કલમનો પણ ભંગ થાય છે. સરકારના સુધારામાં એક સમુદાયની વસ્તીનું ધ્રુવીકરણ થવાની અને તેમની બહુમતી વસ્તી થઇ જવાની શકયતાઓ વ્યકત કરવામાં આવી છે, જે અસ્થાને છે. વળી, જયાં ભવિષ્યમાં અશાંતિ સર્જાવાની શકયતાઓ હોય ત્યાં પણ અશાંત ધારાની પરવાનગી નહીં આપવાની જોગવાઇ સૂચવાઇ છે, જે પણ ગેરકાયદે અને ગેરબંધારણીય છે. આ કેસમાં હાઇકોર્ટે અગાઉ અશાંત ધારાના આ સુધારા હેઠળ જાહેરનામું જારી કરવા સામે સ્ટે જારી કરી દીધો હતો અને સરકાર પાસે જવાબ માંગ્યો હતો. જેમાં સરકારે પોતાનું સોગંદનામુ રજુ કરી પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધુ હતું કે, સરકાર હવે નવા સુધારા સાથે આવવા માંગે છે
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ