ગુજરાત હવે વામણું નહીં વાયબ્રન્ટ : સ્થાપના દિનના વંદન હો..વંદન હો..
- 01 May, 2024
લેકે રહેંગે...લેકે રહેંગે..ના નારા સાથે 4 વર્ષ મહાગુજરાત આંદોલનના પગલે 1 મે 1960ના રોજ ભાષાકીય ધોરણે અલગ ગુજરાતની રચના થઇ હતી. અલગ ગુજરાતને 64 વર્ષ થયા છે. ગુજરાત 64નું થયું કે ગુજરાતને 65મું બેઠુ એમ કહી શકાય. 64 વર્ષમાં ગરવી ગુજરાત કેટલુ બદલાયું, અલગ ગુજરાત બન્યુ ત્યારે ગુજરાત કેવુ હતુ અને આજે કેવુ છે એની ગાથા પ્રતિ વર્ષની જેમ વર્ણવામાં આવશે. આ 64મા સ્થાપના દિનની ઉજવણીની વચ્ચે ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની 26 સોરી, 25 બેઠકો માટે મતદાન થશે. કેમ કે 26માંથી એક બેઠક સુરતની, બિનહરિફ જાહેર થઇ છે.
કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની સામે લેતી-દેતીના આરોપો લાગ્યા છે. એમનુ ઉમેદવારી ફોર્મ રદ્દ થયું છે અને મામલો કોર્ટમાં પહોંચશે. શું થશે એ તો કોર્ટ જાણે પણ એટલુ તો કદાજ નક્કી છે કે ગરવી ગુજરાતમાં આ વખતે પણ ભાજપને 26માંથી 26 બેઠકો મળશે. કારણ...? મોદી મેજિક. ગુજરાતના મતદારોની માનસિક્તા- 200 રૂપિયો પેટ્રોલ પૂરાવીશું, બે હજારમાં ભલે ગેસનો બાટલો મળે પણ સરકાર તો મોદીની.....?!
ગુજરાતની સ્થાપના બાદ સાબરમતીમા ઘણું પાણી વહી ગયું છે. કેટલીય સરકારો આવી અને ગઇ. કોઇએ વિધનસભામાં 182માંથી 149 બેઠકોનો રેકોર્ડ બનાવ્યો તો કોઇએ 156 બેઠકો સાથે એ રેકોર્ડ તોડી નાંખ્યો અને હવે પછી કોને 156 કરતાં વધારે બેઠકો મળે છે એ તો આનેવાલા પલ જાને...હાલમાં તો પલ...પલ...હર પલ...ચૂંટણીનો મહિમા અને ચૂંટણીનો માહોલ છે...
એક રાજ્યની પ્રગતિ માટે અને દેખીતી રીતે એક દેશની પ્રગતિ માટે પણ શાંતિ અને સ્થિર સરકાર પ્રથમ શરત છે. ગુજરાતમાં વચ્ચે શંકરસિંહ બાપુની સરકાર બાદ કોઇ સરકાર એવી આવી નથી કે પાંચ વર્ષ પૂરા ન કર્યા હોય. હાં, એટલુ ખરૂ કે આખી સરકારને હાઇકમાન્ડે બદલી નાંખી હોય એવી સરકારના વડા હતા વિજય રૂપાણી. ગજરાતના ઇતિહાસમાં એમનુ નામ કોરોના કાળના સીએમ અને તેમની સરકારની મુદત પૂર્ણ થાય તે પહેલી બદલી નાંખવામાં આવીહોય એવી સરકાર તરીકેની સરસ મજાની નોંધ લખાઇ ગઇ છે.
અલગ ગુજરાત અને હાલનું ગુજરાત એટલે કે 64 વર્ષ પછીનું ગુજરાત કેવુ છે. તો જવાબ એ છે કે પોપટ કાચી કેરી ખાય...પોપટ પાકી કેરી ખાય...પોપટ આંબાની ડાળે ઝુલે જાય...ઝુલે જાય..ની જેમ ગુજરાત ખુશરંગ હીનાની જેમ ખુશ છે. ગુજરાત સરકાર ખુશ છે અને ગુજરાતના મતદારો 1987થી ખાસ કરીને 1995થી એક જ પાર્ટીની સરકારને વધાવતી આવી છે એમ લોકસભાની વર્તમાન ચૂંટણીમાં 25 વત્તા એક એમ કુલ 26 બેઠકો ફરીથી આપશે. અને હેટ્રીક નોંધાશે.
ગુજરાત હવે વાયબ્રન્ટ ગુજરાત છે. મતદારોની સંખ્યા વધીને 4 કરોડ પર પહોંચી ગઇ છે. ગુજરાતમાં કોંગ્ર્સ પાર્ટીની શાખ ખતરામાં છે. મતદારો બિચારા કોંગ્રેસને વોટ આપીને જિતાડે છે અને ગુજરાતમાંથી વળી કોઇ પાર્ટીને ભાંડીને કેસરી ખેસ પહેરીને મતદારો સાથે દ્રોહ કરે છે અને એ જ બેઠક પર એ જ પાટલી બદલુ બીજી પાર્ટીમાંથી ટિકિટ લઇને ઉભા રહે એટલે જીતી જાય...!! એ કઇ રીતે શક્ય બને...શું ઉમેદવારની જેમ મતદારોએ પણ પાટલી બદલી...? .
મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્થાપના એક જ દિવસે 1 મે 1960ના રોઝ થઇ. અગાઉ બન્ને બોમ્બે સ્ટેટના એક ભાગ હતા. બોમ્બે સ્ટેટમાંથી ભાષાકીય ધોરણે મરાઠા સમુદાય માટે અલગ રાજ્ય મહારાષ્ટ્ર બન્યુ અને શું શા પૈસે ચાર...ની ભાષા ધરાવનાર ગુજરાતીઓ માટે અલગ ગુજરાત બન્યું. સાબરમતી આશ્રમમાં અલગ રાજ્યની સ્થાપના થઇ અને ગુજરાતના મૂક સેવક પં. રવિશંકર મહારાજના આશિર્વાદની સાથે સ્થાપના થઇ. એ સમયે વિધાનસભા અમદાવાદમાં આજની સીવીલ હોસ્પ્ટલમાં હતી. રાજભવન શાહીબાગમાં હતું. અને સચિવાલય આંબાવાડીમાં હાલના પોલીટેકનીકમાં હતું.
સમય જતાં બધુ બદલાતુ ગયું અને અમદાવાદથી દૂર ગાંધીનગરની સ્થાપના પાટનગર તરીકે થતાં વિધાનસભા, સચિવાલય, રાજભવન, મંત્રી નિવાસસ્થાન બધુ જ અમદાવાદથી શિફટ થઇ ગયું. એ વખતે અમદાવાદથી ગાંધીનગર દૂર લાગતું હતું આજે બન્ને એક જ શહેર હોય એમ લાગે છે. જાણે ટ્વીન સીટી....
64 વર્ષમાં ગરવી ગુજરાત એક એવા મુકામ પર પહોંચ્યું કે તે ભારતને 5 ટ્રીલિયન ડોલરની ઇકોનોમી બનાવવામાં ફાળો આપી રહ્યું છે. અને ગુજરાતના ગરબાને કેમ ભૂલાય....ગરબો એટલે ગુજરાતની આગવી ઓળખ. ચૂંટણીના વાતાવરણમાં ઘણાં કહી રહ્યાં છે કે ગુજરાતમાં કોંગ્રેસનો ગરબો રૂમઝુમ રૂમઝુમ કરતો ઘેર આવશે....?! સોરી, શક્તિસિંહબાપુ પણ તમારી પાર્ટીમાંથી કોઇ કમલમ જાય તો તમે પણ રોકી શકતા નથી, ટોકી શકતા નથી. જેમ સુરતની બેઠક સામે ચાલીને આપી એમ ફરીથી બાકીની 25 બેઠકો તેમાંથી મોટા ભાગની 5 લાખની લીડ સાથે દિલ્હીમાં મોદીને દ્વાર પહોંચશે...વદન..તને ગુજરાત વંદન...જય જય ગરવી ગુજરાત.....
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ