અમદાવાદમાં AMTS ડ્રાઇવરો બેફામ : દસ વર્ષમાં 7283 અકસ્માત, 171નાં મોત
- 24 Apr, 2024
અમદાવાદ શહેરમાં રસ્તા પર બેફામ સ્પિડે દોડતી AMTSની બસ તથા ખાનગી કોન્ટ્રાક્ટરોની બસ દ્વારા વારંવાર અકસ્માત સર્જાતાં હોય છે. અકસ્માતોની સંખ્યામાં વધતીજ જઈ રહી છે, આધુનિક ટેકનોલોજીથી સજ્જ બસના ઉપયોગને પરિણામે જો અકસ્માતમાં ઘટાડો ન થાય તો એવી AC બસ મુસાફરી માટે લેવાનો ફાયદો શું ? એવા પ્રશ્નો ઊભા થઈ જતાં હોય છે.
પાછલા 10 વર્ષમાં 7283 અકસ્માતો થયા જેને લીધે 171 નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ ભૂલાભાઈ ચાર રસ્તા પાસે AMTS બસ દ્વારા વ્યક્તિને અડફેટે લેતા તેમનું મૃત્યું નિપજ્યું હતું. જેથી વિપક્ષે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અને મૃત્યુગ્રસ્તના પરિવારને યોગ્ય વળતર ચૂકવવા માગણી કરી છે.
છેલ્લા દસ વર્ષમાં AMTS તથા AMTSના ખાનગી ઓપરેટરોની બસો દ્વારા નાના મોટા મળી કુલ 7283 અકસ્માતોમાં 171 વ્યક્તિનાં મૃત્યુ થયેલા છે. આ અકસ્માતો પૈકી મોટાભાગના અકસ્માતોમાં પોલીસ ફરિયાદ નહી થતાં મામલો રફેદફે કરી દેવાયા હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. જેના કારણે તાજેતરમાં 19 એપ્રિલના રોજ કાંકરિયા ભૂલાભાઈ ચાર રસ્તા પાસે AMST બસ દ્વારા 52 વર્ષના નવિનભાઈ પટેલ નામની વ્યક્તિને પૂર ઝડપે આવી રહેલી બસની ટક્કર વાગતાં તેઓનું મૃત્યુ થયું હતું. આમ, બેફામ દોડતી બસની અડફેટે તાજેતરમાં જ વધુ એક જીંદગીનો અંત આવ્યો હતો.
આ મુદ્દે વિપક્ષી નેતા શહેઝાદ પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, AMTSની ખાનગી ઓપરેટરોની બસોના ડ્રાઇવરો દ્વારા અકસ્માતો થાય તે ઓપરેટરો સત્તાધારી ભાજપના મળતિયાઓ છે, જેને કારણે તેઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી. ઉપરાંત કોન્ટ્રાક્ટરોને કોઈ વળતર પણ ચૂકવવાની ફરજ પણ પાડવામાં આવતી નથી. માત્ર પોલીસ ફરિયાદ કરી કેસ રફેદફે કરી દેવાય છે.
AMTSની બસો ખાનગી ઓપરેટરોને ચલાવવા માટે આપેલી છે તે બસોના ઘણા ડ્રાઇવરો લાઇસન્સ ધરાવતાં નથી. ચાલુ બસે મોબાઇલ પર વાતો કરતાં હોય છે, તથા કેટલાક ડ્રાઇવર દારૂ પીને બસો ચલાવતાં હોય છે. જેથી અસામાન્ય વધુ સ્પીડમાં ડ્રાઇવર દ્વારા કંટ્રોલ ન થતો હોઈ અકસ્માત કરી બેસે તેવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે.
છેલ્લા 10 વર્ષમાં AMTS બસ દ્વારા 2407 અકસ્માતમાં 55 લોકોના મોત થયા હતા. જ્યારે ખાનગી કોન્ટ્રાક્ટરની બસ દ્વારા થયેલા 4876 અકસ્માતમાં 116 લોકોનાં મોત થયા હતા. આમ, શહેરમાં સરેરાશ એક વર્ષમાં સવા સાતસો અકસ્માતમાં 17 લોકોના મોત થઈ રહ્યા છે. વિપક્ષી નેતાએ માગ કરી હતી કે, AMTSની બસો દ્વારા 7283 અકસ્માત થવા એ ચિંતાજનક બાબત છે, આવા બનાવો બનતા અટકાવવા માટે જવાબદાર ખાનગી બસના ઓપરેટર કોન્ટ્રાક્ટરોને તાકીદે બ્લેક લિસ્ટ કરી અને અકસ્માતગ્રસ્તને પૂરતું વળતર ચૂકવવા કોન્ટ્રાક્ટરો ફરજ પાડવા માટે માગ કરી છે.
AMTS દ્વારા રસ્તા પર બેફામ વાહનો હંકારી અકસ્માત કરવામાં આવતા હોય છે. આવા અકસ્માત બાદ તાત્કાલીક ડ્રાઈવરો માટે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ થોડાક જ સમયમાં સ્થિતિ જૈસે થે જોવા મળે છે. તાજેતરમાં થયેલા અકસ્માતની ઘટના બાદ ફરી AMTS બસના ડ્રાઈવરો માટે ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. બસોથી થતાં અકસ્માત નિવારવા માટે વખતો વખત બસ ડ્રાઈવરને ટ્રાફિક અવેરનેસ તેમજ સલામત ડ્રાઈવિંગ પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરતા હોવાના દાવા સાથે ફરી ટ્રેનિંગ આપવાનું નક્કી કરાયું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ