ઉર્વશી રૌતેલાનો ચોરાયેલા iPhoneનું લોકેશન મળ્યું, શોધી આપનારને ઈનામ આપવાની જાહેરાત
- 20 Oct, 2023
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે કેટલાય સેલિબ્રિટીઝ આવી પહોંચ્યા હતા. જેમાં બોલિવુડ એક્ટ્રેસ અને મોડલ ઉર્વશી રૌતેલાનો પણ સમાવેશ થાય છે. જોકે, સ્ટેડિયમની મુલાકાત ઉર્વશી માટે કડવો અનુભવ લઈને આવી હતી કારણકે તેનો 24 કેરેટ ગોલ્ડનો આઈફોન ખોવાઈ ગયો હતો. આ મામલે ઉર્વશી રૌતેલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પરંતુ હજી સુધી તેના ફોનનો પત્તો નથી લાગ્યો. ઉર્વશી રૌતેલા પોતાના ફોન માટે આકુળવ્યાકુળ થઈ રહી છે ત્યારે પોલીસ પણ મોબાઈલ ચોર સુધી પહોંચવા માટે સતત પ્રયત્ન કરી રહી છે.
દરમિયાન ઉર્વશી રૌતેલાએ પોતાના આઈફોનનું લોકેશન સોશિયલ મીડિયા પર શેર કરીને પોલીસને કડી આપી હતી. ઉર્વશીના મોબાઈલનું લોકેશન રાયપુર વિસ્તારમાં આવેલી કોઈ પોળનું આવતું હતું. ઉર્વશીએ સોશિયલ મીડિયા પર લોકેશનનો સ્ક્રીનશોટ શેર કરતાં લખ્યું હતું કે, મોબાઈલનું લાસ્ટ લોકેશન કોઈ મોલનું બતાવી રહ્યું છે. ઉર્વશીએ આ પોસ્ટ સાથે અમદાવાદ પોલીસને ટેગ કરી હતી. સાથે જ તેણે કહ્યું હતું કે, ફોન શોધવામાં મદદ કરનારને તે ઈનામ આપશે. જોકે, ઈનામમાં શું હશે તે અંગેની કોઈ સ્પષ્ટતા એક્ટ્રેસે નથી કરી.
ઉર્વશીએ ફોનનું લોકેશન શેર કરવા છતાં પોલીસ ચોર સુધી ના પહોંચી શકતાં તેમની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. ચાંદખેડાના પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે. જાડેજાએ સ્થાનિક અખબાર સાથે વાત કરતાં કહ્યું, "મોબાઈલ મામલે હજી સુધી કોઈ ફરિયાદ કે અરજી આવી નથી પરંતુ ફોન શોધવાની કામગીરી ચાલુ છે." ક્રાઈમ બ્રાંચના એડિશનલ સીપી નીરજકુમાર બડગુજરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, "ફોનના લોકેશન વિશે માહિતી મળી છે પરંતુ ફોન હજી મળ્યો નથી કારણકે ચોર લોકેશન બદલતા રહે છે." ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ઉર્વશી સિવાય અન્ય 23 લોકોના મોબાઈલ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી ચોરાયા હોવાની ફરિયાદ થઈ છે.