હવે મોદીએ રાહુલને પણ પૂછવું પડશે: CBI ડાયરેક્ટરથી લોકપાલ, ચીફ ઈલેક્શન કમિશનર સુધીના આ મહત્વના પદો પર નિમણૂંક કરતા પહેલા લેવો પડશે રાહુલનો અભિપ્રાય
- 26 Jun, 2024
કોંગ્રેસે યુપીની રાયબરેલી સીટથી સાંસદ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવાની જાહેરાત કરી છે. મંગળવારે ઈન્ડિયા બ્લોકની બેઠકમાં રાહુલને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો હતો. તે પછીથી કોંગ્રેસ સંસદીય બોર્ડના ચેરમેન સોનિયા ગાંધીએ મંગળવારે પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબને પત્ર લખ્યો અને આ અંગેના નિર્ણયની માહિતી આપી છે. બુધવારે રાહુલે સંસદમાં જવાબદારી સંભાળી લીધી છે. તેઓ સ્પીકર ઓમ બિરલાની નિમણૂંક પછી ઐપચારિક પ્રક્રિયાનો પણ હિસ્સો બન્યા છે.
રાહુલ ગાંધીને હવે કેબિનેટ મંત્રીનો દરજ્જો મળ્યો છે. તેનાથી પ્રોટોકોલ યાદીમાં પણ તેમનું સ્થાન વધી જશે અને તે વિપક્ષ ગઠબંધનના પીએમ ફેસના સ્વાભાવિક દાવેદાર પણ થઈ શકે છે. આ પ્રથમ બંધારણી પદ છે, જે રાહુલ ગાંધીએ તેના અઢી દાયકાથી વધુ લાંબા કેરિયરમાં સંભાળ્યું છે. રાહુલ પાંચમી વખત સાંસદ છે. મંગળવારે તેમણે બંધારણની નકલ હાથમાં લઈને સાંસદના પદના શપથ લીધા હતા.
આ વખતે લોકસભા ચૂંટણીમાં રાહુલે કેરળના વાયનાડ અને ઉત્તરપ્રદેશના રાયબરેલીથી જીત પ્રાપ્ત કરી છે. જોકે તેણે વાયનાડ સીટથી રાજીનામું આપ્યું છે. હવે વાયનાડમાં પેટા ચૂંટણી થશે અને ત્યાં રાહુલની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી લડશે. રાહુલ ગાંધીએ 2004માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને પ્રથમ વખત ઉત્તરપ્રદેશના અમેઠીથી જીત પ્રાપ્ત કરી હતી. તેઓ ત્રણ વખત અમેઠીથી ચૂંટણી જીત્યા હતા. 2019માં તેમણે વાયનાડથી જીત પ્રાપ્ત કરી હતી.
ભારતીય બંધારણમાં લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતાઓને બંધારણીય માન્યતા આપવામાં આવી છે. એવામાં રાહુલ ગાંધીની બંધારણીય પદોની નિમણૂંકમાં પણ ભૂમિકા રહેશે. વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી લોકપાલ, સીબીઆઈ ડાયરેક્ટર, મુખ્ય ચૂંટણી કમિશનર, ચૂંટણી કમિશનર, કેન્દ્રીય સતર્કતા આયુક્ત, કેન્દ્રીય સૂચના આયુક્ત, એનએચઆરસી પ્રમુખની પસંદગી સંબધિત કમિટીઓના સભ્ય રહેશે અને તેમની નિમણૂંકમાં વિરોધ પક્ષનો રોલ રહેશે. આ તમામ નિમણૂંકોમાં રાહુલ વિરોધ પક્ષના નેતા તરીકે એ જ ટેબલ પર બેસશે, જ્યાં વડાપ્રધાન અને સભ્યો બેસશે. આ નિમણૂંકો સાથે જોડાયેલા નિર્ણયમાં વડાપ્રધાને વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી પાસેથી પણ સહમતિ લેવાની રહેશે.