બેંગલુરુની હોટલને ધમકી ભર્યા ઈમેલ: શહેરની ત્રણ હોટલને આ મેલ મળ્યાં હતા, પોલીસે પરિસરની તપાસ કરી, ઈમેલને "હોક્સ" ગણાવ્યાં
- 23 May, 2024
બેંગલુરુની ત્રણ લક્સરિયસ હોટલોને ગુરુવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ અંગે પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે આ હોક્સ મેલ છે અને હોટલોના પરિસરને ચકાસણી બાદ હજી સુધી કોઈ જ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. હાલ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઈલેક્ટ્રોનિક સિટી સ્થિત ઓટેરા હોટલમાં છે. ઓટેરા હોટલને ગુરુવારે રાતે 2 વાગ્યે ધમકી આપવામાં આવી હતી. જોકે જેવો આ મેલ સ્ટાફને મળ્યો કે તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે ઈમેલને "હોક્સ" કરાર આપ્યો હતો.
ધમકી ભરેલો ઈમેલ
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણી વખત દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં શાળાઓ, હોટલ અને સરકારી મંત્રાલયોની ઈમારતોમાં બોમ્બ રાખવાની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હતી.છેલ્લા કેટલાક સમયથી દિલ્હી, બેંગલુરુ, અમદાવાદ, જયપુર અને લખનઉ જેવા શહેરોની શાળાઓ અને હોસ્પિટલોને ધમકીભર્યા ઈ-મેલ મળી રહ્યા હતા. ઉપરાંત, દિલ્હી, મુંબઈ, ગોવા, નાગપુર અને કોલકાતાના એરપોર્ટની વિવિધ સરકારી ઇમારતોને વિદેશીઓ તરફથી ધમકીભર્યા મેલ મોકલવામાં આવ્યા હતા.
અગાઉ અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેસેજથી સુરક્ષાતંત્ર દોડતુ થયું હતું. લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતમાં મતદાન થાય તે પહેલા શહેરની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળતા તંત્રએ ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા દિલ્હીની પણ અનેક સ્કૂલોને આ પ્રકારે ધમકી મળી હતી, જોકે તપાસમાં કઈ ભયજનક બોમ્બ કે કઈ મળી આવ્યું ન હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં દિલ્હીની જેવી ઘટનાનું પુનરાવર્તન જોવા મળ્યું હતું. શહેરની અનેક સ્કૂલોને તેમના ઓફિશિયલ મેઈલ પર ધમકી ભર્યા મેસેજ મળ્યા હતા. જેમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે ગંભીરતાની મામલાની નોંધ લઈ સ્કૂલોમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ મોકલી તપાસ શરૂ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સ્કૂલોને જે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા, તે રશિયન સર્વરમાંથી આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. પોલીસે લોકસભા ચૂંટણી પહેલા આ પ્રકારના મેસેજને લઈ ગંભીરતાથી તપાસ શરૂ કરી દીધી હતી અને પોલીસ તંત્ર સાબદુ થઈ ગયું હતું.