સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કરવાનો મામલો: પોલીસ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના માતા-પિતાની થોડીવારમાં પૂછપરછ કરશે, CM આવાસ પર ભેગા થયા આપ સમર્થક
- 23 May, 2024
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં માતા-પિતાની આજે દિલ્હી પોલીસે પૂછપરછ કરવાની છે. આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ કેજરીવાલના માતા-પિતાની પૂછપરછ કરવા દિલ્હી પોલીસે 11.30નો સમય આપ્યો છે. દિલ્હી પોલીસની એક ટીમ આજે પૂછપરછ કરવા માટે સીએમ કેજરીવાલનાં ઘરે પહોંચશે. આ દરમિયાન આપના સમર્થકોએ સીએમ કેજરીવાલના આવાસ પર એકત્રિત થવાનું શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે સ્વાતિ માલીવાલ સાથેના કથિત મારપીટના મામલામાં આ પૂછપરછ થવાની છે. પૂછપરછ પાછળનું કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે જે સમયે આ ઘટના ઘટી સીએમ કેજરીવાલના માતા-પિતા ઘર પર જ હાજર હતા. પોલીસ આ મામલામાં ઘરમાં હાજર તમામ લોકોના નિવેદન નોંધવા માંગે છે.
સીએમ કેજરીવાલે એક દિવસ પહેલા જ દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસ હવે તેમના માતા-પિતાની પૂછપરછ કરશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ લખતા તેમણે કહ્યું હતું કે દિલ્હી પોલીસ મારા વૃદ્ધ અને બીમાર માતા-પિતાની પૂછપરછ કરવા આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સ્વાતિ માલીવાલે મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે જ્યારે તે 13 મેના રોજ સીએમ હાઉસ ગઈ હતી, ત્યારે અરવિંદ કેજરીવાલના માતા અને પિતા અને સુનિતા કેજરીવાલ બ્રેકફાસ્ટ કરી રહ્યાં હતા. સ્વાતિએ ત્રણેયને મોર્નિંગ વિશ કરી હતી અને પછીથી તે ડાયનિંગ હોલમાં આવી ગઈ હતી, જ્યાં ઉગ્ર બોલાચાલી પછીથી તેની સાથે મારપીટ થઈ હતી. AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથેના મારપીટના મામલામાં સીએમ કેજરીવાલના પીએ વિભવ કુમાર હાલ 5 દિવસની પોલીસ કસ્ટડીમાં છે.