કેરળમાં સામાન્ય લોકોની સાથે સાઉથના સ્ટાર્સે પણ આવ્યા મદદે: વાયનાડના અસરગ્રસ્તો માટે સીએમ રિલીફ ફંડમાં રશ્મિકાએ આપ્યા 10 લાખ
- 02 Aug, 2024
કેરળના વાયનાડમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે વાયનાડમાં ભૂસ્ખલનને કારણે 200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે હજી કેટલાય લોકો કાટમાળ નીચે દટાયા છે. NDRFની સાથે રાજ્ય સરકાર અને સ્થાનિકો મળીને લોકોને બચાવવા માટે કામગીરી કરી રહ્યાં છે. પરંતુ વરસી રહેલો વરસાદ તેમાં વિઘ્ન લાવી રહ્યું છે.પરંતુ સરકાર દ્વારા પ્રયન્તો યુદ્ધના ધોરણે ચાલુ છે.
આફતના આ સમયે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને અસરગ્રસ્તો માટે રાહત ફંડની જાહેરાત કરી હતી. આ ફંડમાં દરેકને દાન કરવા માટે અપીલ કરવામાં આવી છે એવામાં હવે સામાન્ય લોકોની સાથે સાઉથ સિનેમાના સ્ટાર્સે પણ જરૂરિયાતમંદોની મદદ માટે સીએમ રિલીફ ફંડમાં પૈસા દાન આપી રહ્યાં છે.જેમાં 'એનિમલ' અભિનેત્રી રશ્મિકા મંધનાએ અકસ્માતમાં ફસાયેલા અને તેનાથી ઘાયલ થયેલા લોકો માટે મદદનો હાથ લંબાવ્યો છે. અભિનેત્રીએ સીએમ રિલીફ ફંડમાં 10 લાખ રૂપિયાનું દાન કર્યું છે. રશ્મિકા બાદ મલયાલમ અભિનેતા ફહાદ ફાસીલ અને તેની પત્ની નઝરિયા નાઝીમે પણ પીડિતોની મદદ માટે સીએમ રાહત ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન કર્યું છે. આ ફિલ્મ સ્ટારસ તમામ મુશ્કેલીમાં ફસાયેલા લોકોની મદદ કરીને રિયલ લાઈફ હીરો બની ગયા છે.
વાયનાડમાં હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અગાઉ પડેલા વરસાદ અને ત્યારબાદ થયેલા ભૂસ્ખલનથી મૃત્યુઆંક 256ની નજીક પહોંચી ગયો છે. અને હજી મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. હાલ પણ વાયનાડમાં પહાડીઓમાંથી પાણીના જોરદાર પ્રવાહે ઇરુવાઝિંજી નદીના પ્રવાહની દિશા બદલી નાખી, તેના કાંઠેની તમામ વસ્તુ ડૂબી ગઈ છે. ત્યાં અત્યારે હરિયાળીને બદલે માત્ર કાટમાળ જ દેખાય છે. ભૂસ્ખલન પહેલા આ નદી સીધી લીટીમાં વહેતી હતી અને તેના કિનારે ગામડાઓ વસી ગયા હતા, પરંતુ હવે નદી આખા વિસ્તારને ગળી ગઈ છે. સતત વરસાદને કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મળતી માહિતી મુજબ વાયનાડમાં 27 જુલાઈની સવારે લગભગ 2 વાગ્યે ભૂસ્ખલન થયું હતું. આ પછી સવારે લગભગ 4.10 વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. ભૂસ્ખલનને કારણે 116 થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા હતા ,બચાવ કામગીરી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ મૃત્યુઆંકમાં વધારો થયો છે. આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.