હવે સુપરસ્ટાર રજનીકાંતની પણ બાયોપિક બનશે સાજિદ નાડીયાદવાલા બનાવવા માટે રાઈટ્સ ખરીદી લીધા
- 03 May, 2024
મેગા સ્ટાર રજનીકાંતની બાયોપિક બની રહી છે. બોલીવૂડ નિર્માતા સાજિદ નડિયાદવાલાએ આ બાયોપિક બનાવવા માટેના રાઈટ્સ ખરીદી લીધા છે.અને રજનીકાન્ત સાથે તેણે મેગા કૉન્ટ્રૅક્ટ પણ સાઇન કર્યો છે એવું જાણવા મળ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થવાનું છે. સાજિદ નડિયાદવાલા રજનીકાન્તનો એક ઍક્ટર તરીકે અને એક વ્યક્તિ તરીકે મોટો ફૅન છે. રજનીકાંતની જિંદગી તેમની ફિલ્મો જેટલી જ રોચક છે. ફિલ્મોમાં એન્ટ્રી પહેલાં તેઓ બસ કન્ડકટર હતા.
મહાન સુપરસ્ટાર બનવા સુધીની તેમની સફર વિશ્વના તમામ લોકો સુધી પહોંચે એવી સાજિદ નડિયાદવાલાની ઇચ્છા છે. તે આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર અને ફિલ્મને ભવ્ય બનાવવા પર કામ કરી રહ્યો છે. ફિલ્મની સ્ટોરીમાં દરેક ઝીણી બાબતોનો સમાવેશ થઈ શકે એ માટે સાજિદ નડિયાદવાલા છેલ્લા થોડા મહિનાથી રજનીકાન્ત અને તેમના પરિવારના સંપર્કમાં છે.તમિલ ફિલ્મોથી શરુ કરીને દેશ દુનિયામાં પોતાનો આગવો ફેન બેઝ ઊભો કરનારા રજનીકાંત મૂળ તમિલિયન પણ નથી. તેમનું મૂળ નામ શિવાજીરાવ ગાયકવાડ છે અને તેમના વડીલો મહારાષ્ટ્રના નાસિકના એક ગામથી કર્ણાટક શિફ્ટ થયા હતા.
રજનીકાંતે આજદિન સુધી ૧૭૦ હિટ ફિલ્મો આપી છે. હાલ ૭૪ વર્ષની વયે પણ તેઓ એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યા છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર સાજિદ નડિયાદવાલાએ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાની શરુ કરી દીધી છે. એકવાર સ્ક્રિપ્ટ ફાઈનલ થયા બાદ બાકીના કલાકારોની પસંદગી કરવામાં આવશે. ફિલ્મ રજનીકાંતના ગ્લોબલ ઓડિયન્સને ધ્યાને રાખીને બનાવવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ