મોબાઈલનું વળગણ શિક્ષિત યુવા પેઢીને ગેરમાર્ગે દોરે છે : પરિણામે સાધન સપન્ન પરિવારનો દીકરો આપે છે આવી ઘટનાઓને અંજામ વાંચો શું છે આ કિસ્સો
- 29 Jul, 2024
મોબાઈલનું વળગણ કેટલી હદે લઈ જાય છે તેનો જીવંત નમૂનો તાજેતરમાં જ સામે આવ્યો છે. આજની યુવા પેઢી બીજા કામો કરતાં પોતાનો વધારે સમય મોબાઈલ પાછળ જ વ્યતીત કરતી જોવા મળે છે. તેના પરિણામના કિસ્સા રોજે સામે આવતા હોય છે.તાજેતરમાં જ શહેરમાં વધુ એક બનાવ સામે આવ્યો હતો જેમાં એક શિક્ષિત સાધન સંપન્ન પરિવારનો દીકરો મોબાઈલ ના વળગણને પરિણામે ચોરી કરવા લાગ્યો હોવાનું સામે આવ્યું હતું. બનાવની વિગત મુજબ બીએ પાસ થયેલો નવયુવાન ઓનલાઈન ગેમમાં દેવું થતા ચોરી કરવાના માર્ગે દોરાયો હોવાની માહિતી સામે આવી હતી.
શહેરના વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી ચોરીની ઘટના સામે આવી રહી છે, જેમાં અત્યાર સુધી ત્રણ દિવસમાં કુલ રૂ. 4.45 લાખની ચોરીઓની ઘટનાને લઇને વસ્ત્રાપુર પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.પોલીસને આ ત્રણે બનાવોની સીસીટીવી ફુટેજ મળી આવતા આરોપીની ઓળખાણ કરવામાં પણ સફળતા મળી હતી. અને પોલીસ દ્વારા તરતજ એક્શન લઇને એક નવયુવાનની ધરપકડ પણ કરવામાં આવી હતો. પકડાયેલો આરોપી મહિલા ASIનો પુત્ર હોવાની વિગતો મળી છે.જેને ઓનલાઇન ગેમ રમવામાં દેવું થઇ જતા તેણે વેબ સિરિઝ જોઇને ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
બોડકદેવમાં અકીક ટાવરની પાછળ આવેલા શુભ શાંતિ વિભાગમાં રહેતા દર્શકભાઇ સોની પ્રિન્ટિંગનો વેપાર કરે છે. તેઓ .25મીએ ઓફિસ ગયા હતા અને પત્ની પણ કામે બહાર ગયા હતા. રાત્રે બંને ઘરે આવ્યા ત્યારે ફ્લેટનું તાળું તુટેલું હતું ,મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ. 2 લાખની ચોરી થઇ હતી. જ્યારે અન્ય બનાવ વસ્ત્રાપુરના પલક એવન્યુમાં રહેતા હેતલબેન નાયક ઘરને તાળું મારીને માતા-પિતાને મળવા માટે ગોતા ગયા હતા.
એ સમયે તેમના મકાન માંથી ચોરે લોખંડની તિજોરીનું લોકર તોડીને રૂ. 1.11 લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. અન્ય એક ઘટનામાં રાજકોટના મયુરભાઇ નાગરેચા બોડકદેવમાં આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં રહીને સ્કીનની દવાનો વેપાર કરે છે. 25મીએ બંને પતિ પત્ની કામે ગયા હતા તે સમયે કબાટમાંથી તસ્કરો સવા બે તોલાના સોના અને ચાંદીના દાગીના મળી કુલ રૂ. 1.32 લાખની મતા ચોરી ફરાર થઇ ગયા હતા.
આ ત્રણે મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ કરતા એક આરોપીની ધરપકડ કરી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ. એલ. ચાવડા અને પીએસઆઇ આર. એલ. પટેલની ટીમે યુવરાજ ભટ્ટ (ઉ.21, રહે. જીવરાજપાર્ક)નામના આરોપીની ધરપકડ કરી આ ત્રણેય ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે તપાસ કરતા યુવરાજની માતા શહેર પોલીસમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. અને આરોપીએ બીએ પાસ હોવાનું સામે આવ્યું હતું. પણ ઓનલાઇન ગેમ રમવામાં દેવું થઇ જતા તેણે આ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.
આરોપી યુવરાજ ભટ્ટ જીવરાજપાર્ક વિસ્તારમાં રહે છે. જ્યારે તેની માતા પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. વેબસાઇટ પર ઓનલાઇન ગેમ રમવામાં દેવું થઇ જતા તેણે મની હાઇસ્ટ સિરિઝ જોઇને ચોરીનું પ્લાનિંગ કર્યું હતું. જે અંતર્ગત બપોરે જે બંધ ઘર હોય તેને ટાર્ગેટ કરવા માટે મોઢે રૂમાલ બાંધીને પાનાથી તાળા તોડીને ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. તે મુજબ હાલ ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા છે, જ્યારે વધુ ચોરી કરી છે કે કેમ તેની તપાસ હજી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે .