અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી, એક રાતમાં 2 યુવકો અને એક મહિલાની હત્યાથી ચકચાર
- 31 Oct, 2023
અમદાવાદમાં એક જ રાતમાં નદીના બે તરફ અલગ અલગ બનાવોમાં બે યુવક અને એક મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે, રિવરફ્રન્ટ વેસ્ટના વાડજ તરફના ભાગમાં મોડી રાતે યુવકને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, જ્યારે શાહપુર વિસ્તારમાં પણ એક યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હતા.
આ બનાવમાં પણ યુવકનું મોત થયું હતું, જ્યારે હત્યાનો ત્રીજો બનાવ વટવામાં બન્યો છે. વટવામાં ઝઘડાને લઈ મહિલાનું ગળું દબાવી હત્યા કર્યાનું સામે આવ્યું છે. આ બનાવમાં આરોપીઓ મુસ્કાન, સાહિલ અને શહેઝાદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસસૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે, ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા સ્મિત નામના યુવકની હત્યા કરાયેલી લાશ રિવરફ્રન્ટ વેસ્ટના વાડજ તરફના ભાગ પાસેથી મળી આવી હતી. વહેલી સવારે પોલીસને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે રિવરફ્રન્ટના બાંકડા પાસે એક યુવકની લાશ પડી છે, ત્યાં જઈને તપાસ કરતાં યુવકની કોઈએ ગોળી મારીને હત્યા કરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સ્મિત ચાંદલોડિયા વિસ્તારમાં રહે છે અને મોડીરાતે તેની હત્યા કરવામાં આવી હતી. હજી સુધી કયા કારણસર અને કોણે તેની હત્યા કરી છે એ સ્પષ્ટ થયું નથી. પોલીસે આ બનાવમાં હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ