શેડમાલિકનો ભાડૂઆત દંપતી પર તલવારથી હુમલો : ભાડૂઆતે વટવા પોલીસ સ્ટેશનમાં શેડમાલિક દંપતી સામે હત્યાનો ગુનો નોંધાવ્યો..
- 09 May, 2024
વટવામાં દંપતીએ ધંધો કરવા શેડ ભાડે રાખ્યો હતો. તે સમયે ડિપોઝિટ પેટે રૂ. 30 હજાર રોકડા આપ્યા હતા, પરંતુ ધંધો બરાબર ન ચાલતા શેડ ખાલી કર્યો ત્યારબાદ ડિપોઝિટ શેડમાલિક પાસે પરત માગતા માલિકે તેની પત્ની સાથે મળીને ભાડૂઆત દંપતી પર તલવારથી હુમલો કરીને મહિલાની હત્યા કરી ધમકી આપી હતી. આ અંગે ભાડૂઆતે વટવા પોલીસ સ્ટેશનમાં શેડમાલિક દંપતી સામે હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
ઘોડાસરમાં રહેતા 44 વર્ષીય નિમેષભાઇ રાઠોડ વટવામાં મારૂતિ એસ્ટેટમાં નિર્ભયસિંહનો શેડ ભાડે રાખીને પાઇપનો ધંધો કરે છે. જેમાં તેમને સપ્ટેમ્બર 2023થી ભાડે રાખ્યો હતો અને મહિને રૂ. 8 હજાર ભાડું નક્કી થયું હતું. તે સમયે ડિપોઝિટ પેટે રૂ. 30 હજાર રોકડા આપ્યા હતા, પરંતુ ધંધો બરાબર ન ચાલતા 31 માર્ચે શેડ ખાલી કર્યો ત્યારે ડિપોઝિટ પેટે આપેલા રૂપિયા પરત માગતા નિર્ભયસિંહ વાયદા કરતો હતો.
ગત 6 મેએ નિમેષભાઇ અને તેમની પત્ની નિર્ભયસિંહને ત્યાં ગયા અને ડિપોઝિટ પરત માગતા નિર્ભયસિંહની પત્નીએ જણાવ્યું કે, શેડમાં તમારો સામાન હોવાથી તમારે એક મહિનાનું ભાડું આપવું પડશે. જેથી વિદ્યાબેને કહ્યું કે, ભૂલમાં રહી ગયો હશે. તેમાં ભાડું થોડું લેવાનું હોય? તેમ કહેતા જ નિર્ભયસિંહ અને તેની પત્નીએ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો.
એટલું જ નહિ, બંનેએ તલવારથી દંપતી પર હુમલો કરતા વિદ્યાબેનને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે નિમેષભાઇએ બંને સામે વટવા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ