પોલિટિકલ પાર્ટીઓનું દાન સરકારનું નુકસાન: વર્ષ 2022-23માં સરકારી તિજોરીને આટલા કરોડનું નુકસાન થયું, પોલિટિકલ પાર્ટીઓને તો મોજ પડી ગઈ; સમજો ગણિત
- 30 Jul, 2024
રાજકીય પક્ષોને દાન આપવા પર ટેક્સમાં છૂટ મળે છે. ફાઈનાન્શિયલ વર્ષ 2022-23માં આવા દાનને કારણે સરકારી તિજોરી પર લગભગ 3,967.54 કરોડનો બોજો વધ્યો છે. આ અનુમાન કેન્દ્રીય બજેટ 2024-25માં નાણાં મંત્રાલયે લગાવ્યું છે. આ આંકડો 2021-22ની સરખામણીમાં લગભગ 13 ટકા વધુ છે. મીડિયાના એક અહેવાલ મુજબ, છેલ્લા 9 વર્ષમાં ઈલેક્શન ફન્ડિંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વાતનો અંદાજ અગાઉના કેન્દ્રીય બજેટોના વિશ્લેષણથી આવે છે.
2014-15થી લઈને અત્યાર સુધીમાં 9 વર્ષમાં રાજકીય ડોનેશનના કારણે સરકારી તિજોરી પર લગભગ 12,270.19 કરોડ રૂપિયાનો બોજો વધી ગયો છે. નાણાંકીય વર્ષ 2023-24ના આંકડા હજી જાહેર કરવામાં આવ્યા નથી. જે આંકડા છે તે વર્ષ 2014-15થી લઈને વર્ષ 2022-23 સુધીના છે.
આવું થયું છે ઈન્કમ ટેક્સ એક્ટ 1961ના કારણે. તેમાં રાજકીય પાર્ટીને મળનાર ટેક્સ છૂટ વિશે જણાવવામાં આવ્યું છે. તે મુજબ ભારતીય કંપનીઓ, ફર્મ, વ્યક્તિઓના સંઘ(AOPs), વ્યક્તિઓના યુનિટ(BOIs), વ્યક્તિઓ કે હિન્દુ અવિભાજિત પરિવારો(HUF) સહિત અન્ય કરદાતા, જો રાજકીય પક્ષોને દાન આપે છે, તો તેમને ટેક્સમાં ફાયદો મળે છે. એટલે કે તેમને ટેક્સ ઓછો આપવો પડે છે.
નાણાંકીય વર્ષ સરકારી તિજોરીને થયેલું નુકસાન
2014-15 170.86 કરોડ
2015-16 84 કરોડ
2016-17 186.62 કરોડ
2017-18 322.39 કરોડ
2018-19 1244.98 કરોડ
2019-20 1746.94 કરોડ
2020-21 1030.39 કરોડ
2021-22 3516.47 કરોડ
2022-23 3967.54 કરોડ
કુલ 12270.19 કરોડ
આવા દાનથી નાણાંકીય વર્ષ 2022-23માં સરકારી રેવન્યુ પર સૌથી વધુ અસર પડી છે. જે 3967.54 કરોડ રૂપિયાની છે. તેમાં રેવન્યુને સૌથી વધુ તે ડોનેશનથી અસર થઈ છે, જે કલમ 80GGC અંતર્ગત કોર્પોરેટ ટેક્સપેયર્સે આપ્યું હતું. વર્ષ 2022-23માં કોર્પોરેટ ડોનેશનના કારણે રેવન્યુ પર 2003.43 કરોડની અસર પડી છે.
ઈન્કમ ટેક્સ અધિનિયમની ધારા 80GGB અને 80GGC મુજબ-કોઈ ટેક્સપેયર્સની કુલ આવકની ગણતરી કરતી વખતે, ગત વર્ષે તેના દ્વારા કોઈ રાજકીય દળ કે ચૂંટણી ટ્રસ્ટને આપવામાં આવેલા યોગદાનની રકમમાં કાપ મુકવામાં આવશે. જોકે સીધા કેશના માધ્યમથી આપવામાં આવેલા કોઈ પણ દાન પર છુટની પરવાનગી નથી. એ પણ જરૂરી છે કે દાન એ જ પક્ષોને આપવામાં આવ્યું હોય જે જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 29A અંતર્ગત રજિસ્ટર્ડ હોય.
ટેક્સમાં કાપ મેળવવા માટે સૌથી જરૂરી વાત એ છે કે ડોનેશન ચેક, બેન્ક એકાઉન્ટ ટ્રાન્સફર કે ઈલેક્ટ્રોરલ બોન્ડ દ્નારા આપવામાં આવ્યું હોય. જોકે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લાંબી સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ પર રોક લગાવી દીધી હતી.